શિયાળો આવતાની સાથે જ તસ્કરોએ હળવદ વિસ્તારમાં ધામા નાખ્યા છે. જેમાં મોરબી ચોકડી પાસે આવેલા ચાર કારખાનાના ઓફિસના તાળા તોડી અંદાજે દસ હજાર જેટલી રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જ્યારે આ બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં પાંચ જેટલા ચડ્ડીધારી ગેંગના ચોરટાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જ્યારે બનાવ અંગે હળવદ પોલીસની ટીમને જાણ કરતા પોલસે સ્થળ ચકાસણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરની મોરબી ચોકડી પાસે આવેલા ચાર કારખાનામાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં ધાવડી ઓઈલ મીલમાંથી ટેબલના ખાનામાંથી 8 હજાર રૂપિયા, મહેશ જીનિંગ કારખાનામાંથી ઓફિસનું તાળુ તોડી 2 હજાર રૂપિયા તેમજ શ્રીધર જીનિંગ અને ગોમતી ઓઇલ મીલમાંથી પણ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ગોમતી ઓઈલ મીલમાંથી ચોરીના ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં પાંચ જેટલા ચડ્ડીધારી ગેંગના તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જ્યારે ઘટના અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ચોરનું પગેરુ મેળવવાની તજવીજ હાથ ધર હતી. તો સાથે કારખાના માલિકોએ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી.

