36મી નેશનલ ગેમ્સ-2022 ટેલેન્ટેડ પ્લેયર્સનું પાવર હાઉસ બની છે. સ્પોર્ટ્સની વિવિધ 36 જેટલી ઇવેન્ટમાં અલગ અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ખેલાડીઓ દમદાર,શાનદાર પર્ફોમન્સ આપી રહ્યા છે. સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી, બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની સ્પર્ધા-અંત તરફ ગતિ કરી રહી છે. આ રમતમાં ગુજરાતની મલ્લખંભ ટીમ પણ ભાગ લઈ રહી છે.
વડોદરાના શોર્યજિત ખરે એવા ખેલાડી છે જેમણે 36મી નેશનલ ગેમ્સ-2022માં મલ્લખંભ પ્લેયર તરીકે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઈતિહાસ રચ્યો છે. એટલું જ નહીં, 36મી નેશનલ ગેમ્સ-2022માં પોલ મલ્લખંભ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જિતીને તેમણે પોતાની ચમકતી પ્રતિભાનો પરિચય પણ દુનિયાને કરાવ્યો છે.
નેશનલ ગેમ્સ-2022માં 10 વર્ષની સૌથી નાની ઉંમરમાં શોર્યજિતે બ્રોન્ઝ મેડાલિસ્ટ બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આજે શોર્યજિત ખરે સ્પોર્ટ્સ ઇવેન્ટ મલ્લખંભના સ્ટાર પ્લેયર બન્યા છે.
અઘરી ગણાતી મલ્લખંભ રમતમાં શોર્યજિત ખરેને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર પર્ફોર્મર પણ ગણાવ્યા હતા. શોર્યજિત ખરેનું મલ્લખંભ ગેમમાં પર્ફોર્મન્સ એવું કે,સૌ કોઈ તેમને જોઈને બસ દંગ રહી જાય છે. તેઓ સૌથી નાની ઉંમરના મલ્લખંભ ગેમના રમતવીર તરીકે ખ્યાતિ પામ્યા છે.ગુજરાતને નેશનલ લેવલ પર શોર્યજિત ખરેએ ગૌરવ અપાવ્યું છે.
તેમના પિતાનું અવસાન થયું તેને 10 કે 11 દિવસ જ થયાં છે! છતાં પણ તેઓએ રમતના મેદાનમાં આવીને પોતાનું પર્ફોર્મન્સ શાનદાર અને દમદાર રીતે આપ્યુ હતું! તેમનું સપનું મલ્લખંભ રમતમાં વર્લ્ડ ચૈમ્પિયન બનવાનું છે.

