મોરબી જિલ્લામાં અલગ અલગ સરકારી કચેરીમાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા આઉટ સોર્સના કર્મચારીઓએ વર્ષોથી વેતનમાં થતું શોષણ સામે અવાજ ઉઠાવ્યો પણ સરકારે દાદ ન દેતા અંતે હડતાલનું અમોઘ શસ્ત્ર અપનાવ્યું છે અને આજથી કાયમી કરવાની માંગ સાથે મોરબી જિલ્લાના તમામ આઉટ સોર્સના કર્મચારીઓ આજથી અચોક્ક્સ મુદતની હડતાલ પાર ઉતરી ગયા છે અને સરકાર દ્વારા જ્યાં સુધી સમાન કામ સમાન વેતનની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.
મોરબી સહિત રાજ્યભરની જિલ્લા પંચાયત, જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર સહિતની તમામ સરકારી કચેરીઓમાં, ડ્રાઈવરો, ચોકીદાર, પટ્ટાવાળા તેમજ કોમ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા આઉટ સોર્સ કર્મચારીઓને લાંબા સમયથી પગારમાં અન્યાય થઈ રહ્યો છે. આવા 250થી વધુ કર્મચારીઓ પાસે કામ પૂરતું લેવાય પણ સરકારના ધારા ધોરણ મુજબ વેતન મળતું નથી. આ કર્મચારીઓ કાયમી કરાયા ન હોય વેતન ઓછું અને કાયમી કર્મચારીઓને જે હક્ક હિસ્સા મળે છે તે સરકાર તરફથી મળતા નથી. કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા આ કર્મચારીઓનું પગારનું બિલ રૂ.16 હજારનું બને છે. પણ તેમને પગાર 4થી 8 હજાર સુધીનો જ મળે છે. જયારે બાકીની રકમ આઉટસોર્સ એજન્સી જ ચાઉ થઈ જતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

