યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા 6 દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો છેલ્લો દિવસ છે. આજ રાત્રિના 12 કલાકે મેળો પૂર્ણ થયેલો ગણવામાં આવશે. સમગ્ર મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવેલા યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ મેળો સુખરૂપે સંપન્ન થતા પોલીસ વિભાગ દ્વારા માતાજીને 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી.
છેલ્લા 10 એક વર્ષથી અંબાજી મેળામાં જે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પોલીસ ફરજ ઉપર આવે છે, તે સહીત તેમના પરિવારો પણ આ ધજારોહણ કાર્યક્રમમાં જોડાય છે. મેળો શાંતિપૂર્ણ પૂર્ણ થતા ભારે હર્ષોલ્લાસ સાથે વાજતે-ગાજતે માં અંબેના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. રેન્જ IG જેઆર મોથલિયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પોતાના પરિવાર સાથે આ ધજારોહણ કાર્યક્રમમાં જોડાયા હતા.
છેલ્લા દિવસે હમણાં સુધીમાં 22 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ માં અંબેના દર્શનનો લાભ લઈ ચૂક્યા છે. મંદિરના શિખરે 3 હજાર ઉપરાંત ધજારોહણ પણ કરવામાં આવ્યું છે. આ મેળા દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટને ત્રણ કિલો જેટલું સોનાનું દાન પણ પ્રાપ્ત થયું છે. અંબાજી મંદિર દ્વારા શરૂ કરાયેલી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં અઢી લાખ ઉપરાંત લોકોએ આ સેવાનો લાભ લીધો છે.
શ્રદ્ધાળુઓના મતે આ અખંડ જ્યોત પોતાના ઘરેથી નીકળ્યા બાદ રસ્તામાં વરસાદ કે વાવાઝોડું હોય તો પણ બુઝવવા દેવામાં આવતી નથી. અંબાજી મંદિરમાં પહોંચ્યા બાદ આ જ્યોતને મંદિરમાં રહેલી જ્યોત સાથે મિલાવી દેવામાં આવે છે. જોકે આ મેળામાં પોલીસની કામગીરીને પણ યાત્રિકોએ વખાણી હતી.

