આપણા સહુનાં મગજમાં મેળો એટલો ચકડોળ, ખાણીપીણી, મોજ-મસ્તી જ યાદ આવે. પણ આ ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો એ તો ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે મા અંબા ભવાનીનો મેળો યોજાય છે. અંબાજીમાં દર પૂનમે મેળા જેવું વાતાવરણ હોય છે. દર પૂનમે માનવમેદની મા અંબાનાં દર્શને અહીં પધારે છે. ખાસ કરીને કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂર્ણિમાએ અહીં મોટો મેળો યોજાય છે. જેમાં ભાદરવી પૂનમનો મેળો ખૂબ મહત્ત્વ ધરાવે છે.
માનો પ્રાગટ્ય દિવસ: ભાદરવા સુદ બીજથી શરૂ કરીને મા અંબાનો પ્રાગટ્યદિન ભાદરવા સુદ પૂનમ સુધી આ માનવમહેરામણ પગપાળા યાત્રા કરીને મા અંબાના ચરણમાં મા અંબા ભવાનીના સાંનિધ્યમાં પધારે છે.ખાસ કરીને ભાદરવા સુદ તેરસ-ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ લાખો શ્રદ્ધાળુઓ અને માઈભક્તો આ પવિત્ર વાતાવરણમાં દર્શન કરવા ઉમટી પડે છે. ઘણા માઈભક્તો તો પદયાત્રા કરીને પધારે છે અને મા અંબાના ચરણમાં માથું ટેકવીને ધન્યતા અનુભવે છે.પશ્ચિમ ભારતના સૌથી પ્રમુખ અને મોટા અંબાજી ધામમાં માત્ર ગુજરાતના જ શ્રદ્ધાળુઓ નહીં પરંતુ ભારતભરમાંથી વિવિધ પ્રાંતમાંથી સર્વ ધર્મ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ અને માઈભક્તો અસંખ્ય માત્રામાં પદયાત્રા કરતાં કરતાં અહીં પધારે છે.
આવી સગવડ: ભાદરવી પૂનમ મા અંબાના પ્રાગટ્યદિનના મેળામાં શ્રદ્ધાળુઓ અને માઈભક્તો માટે અહીં ઘણી ઘણી સગવડ ઊભી કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતભરમાંથી અહીં પધારવા માટે ઘણાં ઘણાં સ્થળેથી બસ સુવિધા ઊભી થાય છે. યાત્રિકોના વિશ્રામ માટે હંગામી ધોરણે વિશ્રામસ્થળ અને પંડાલ ઊભા કરાય છે. ભોજન પ્રસાદ માટે પણ ઘણી સેવાભાવી સંસ્થાઓ અહીં વ્યવસ્થા ઊભી કરે છે. સેવાભાવી સંસ્થા અને ટ્રસ્ટીઓ વતી હેલ્થ સેન્ટર પણ થોડાં થોડાં અંતરે ઊભાં કરાય છે. મા અંબાના આ મેળામાં શ્રદ્ધાળુઓ યાત્રિકો અને માઈભક્તોને જરા પણ અગવડ જણાતી નથી.

