ગાંધીનગર શહેર નજીક ચિલોડા પંથકમાં ગ્રામ્યવિસ્તારોમાં છેલ્લા પખવાડિયાથી તસ્કર ટોળકી બોરવેલને નિશાન બનાવી રહી છે ત્યારે આ વખતે સુરક્ષિત એવા ગિફ્ટસિટીના બોરવેલને પણ નિશાન બનાવીને તેમાંથી કેબલની ચોરી કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે જે મામલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલ જિલ્લાના અલગ-અલગ ગામોમાં રાત્રીના સમયે બોર કુવા પરથી કેબલ ચોરાવાની ઘટનાઓ સતત વધી રહી છે અગાઉ ચિલોડા પંથકમાં આવેલા પ્રાંતિયા, પાલજ અને લવારપુર જેવા ગ્રામ્યવિસ્તારોમાંં તસ્કર ટોળકીએ એક પછી એક સાત જેટલા બોરકુવાને નિશાન બનાવતા ખેડૂતોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો ત્યારે હવે આ તસ્કર ટોળકીએ સુરક્ષિત એવા ગિફ્ટસિટીની નર્સરીની બોરકુવા ઉપરથી પણ દસ મીટર જેટલા કેબલની ચોરી કરી લીધી છે જે સંદર્ભે મેનેજર નરેશભાઇ હિંમતભાઇ ચૌહાણે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે આ ટોળકીને પકડવા માટે મથામણ શરૃ કરી છે. હાલમાં આ વિસ્તારમાં વધેલી આ પ્રકારની ચોરીઓને કારણે ખેડૂતોને રાત્રે ઉજાગરા પણ કરવા પડી રહ્યા છે

