ભારતે થોમસ કપની ફાઈનલ મેચમાં ઈન્ડોનેશિયાને 3-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે આ ટુર્નામેન્ટ 14 વખત જીતનારી ટીમને હરાવી છે. લક્ષ્ય સેન પ્રથમ અને સાત્વિક ચિરાગની જોડીએ બીજી મેચમાં ભારતને જીત અપાવી હતી. આ પછી કિંદામ્બી શ્રીકાંતે ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમને પ્રથમ વખત થોમસ કપની ચેમ્પિયન બનાવી.
લક્ષ્ય સેને પ્રારંભિક મેચમાં ઇન્ડોનેશિયાના ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ટોની સિનિસુકાને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો. બીજી મેચમાં પણ સાત્વિક ચિરાગની જોડીએ 18-21, 23-21, 21-19થી જીત મેળવી હતી. ત્રીજી મેચમાં શ્રીકાંતે ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો.થોમસ કપના 71 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટીમ ચેમ્પિયન બની છે.
આ ટૂર્નામેન્ટ 1949થી રમાઈ રહી હતી, પરંતુ અત્યાર સુધી ઈન્ડોનેશિયા, ડેનમાર્ક અને મલેશિયા જેવી ટીમો આ ટૂર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવી રહી હતી, જે ભારતે ખતમ કરી દીધી છે. ભારત આ ટૂર્નામેન્ટ જીતનારી ચોથી ટીમ છે.ભારતીય ટીમે મલેશિયા અને ડેનમાર્ક જેવી મજબૂત ટીમોને હરાવીને પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે.
ભારત આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ હારી ગયું હતું, જ્યારે તેને ગ્રૂપ સ્ટેજમાં ચાઈનીઝ તાઈપેઈ સામે હાર મળી હતી. તે જ સમયે, ઈન્ડોનેશિયાની ટીમ ફાઈનલ પહેલા આ ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે.

બીજી મેચમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીનો સામનો કેવિન સંજય અને મોહમ્મદ અહેસાન સામે થયો હતો. ઈન્ડોનેશિયાની જોડીએ પહેલો સેટ 21-18થી જીત્યો હતો જ્યારે ભારતીય જોડીએ બીજો સેટ 23-21થી જીત્યો હતો. આ પછી ત્રીજો સેટ પણ સાત્વિક-ચિરાગની જોડીએ 21-19થી જીતીને ભારતને મેચમાં 2-0થી સરસાઈ અપાવી હતી.

