રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા ભંગારના ડેલામાંથી બોગસ આરસી બૂક બનાવીને ભંગારની રીક્ષા વેચવાના કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે. પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરી છે. પોલીસે આ દરોડામાં કુલ 31 જેટલી આરસી બૂક પણ કબ્જે કરી છે.

શહેરના મોરબી ઉપર આવેલા ભંગારના ડેલામાં બોગસ આરસી બૂક બનાવીને રીક્ષા વેચવાનું કૌભાંડ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. ક્રાઈમબ્રાંચે રામનાથ પરા, ગરૂડની ગરબી પાસે રહેતા અમીન ગફારભાઇ આકબાણી અને દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા આરીફ હબીબભાઇ દોઢયા મળીને કુલ ત્રણ શખસોની મોરબી રોડ પર આવેલા રીક્ષા લે-વેચના ડેલામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાંચે આઇ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468, 471, 472 અને 114 મુજબ છેતરપીંડી કરી બોગસ દસ્તાવેજો ઉભા કરવાનો ગુનો નોંધ્યો છે. અમીન આકબાણી અને આરીફ દોઢયાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બોગસ આરસી બૂક સહિતના દસ્તાવેજો ઉભા કરનાર બાબાભાઇ ઉર્ફે પ્રદીપ મોહનભાઇ ઝાલાની શોધખોળ આદરી છે. ફાઇનાન્સ કંપનીના સીઝ કરેલા વાહનો ખરીદ્યા હતા જેની 22 અસલ આરસી બૂક જ્યારે બોગસ ઉભી કરવામાં આવેલી 9 જેટલી આરસી બૂક કબ્જે કરી હતી.

