રાજકોટ ડેરીએ દૂધમાં ભેળસેળ કરનાર મંડળીઓ ઉપર લાલ આંખ કરી છે. જેમાં 68 મંડળીઓ માટે ડેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે. તો ચેરમેને દૂધ ઓછુ મળશે તો ચાલશે પણ દૂધમાં ભેળસેળ કોઈપણ રીતે ચલાવી લેવામાં નહીં આવે તેવી ટકોર કરીને દૂધમાં ભેળસેળ કરનારાઓને આકરો સંદેશો પણ પાઠવ્યો હતો.

જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, આધુનિક સાધનો દ્વારા દૂધનું પરીક્ષણ થાય અને તેમાં ભેળસેળ મળે એટલે અમે જે તે મંડળીમાંથી આવેલા દૂધની ઉપર ઝીણવટભરી વોચ રાખીએ છીએ અને વધારાની ચકાસણીમાં પણ ભેળસેળ બહાર આવે તો તાકિદની અસરથી તેનું દૂધ બંધ કરી દેવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષમાં 68 મંડળીનું દૂધ બંધ કરી દેવાયું છે.

ભેળસેળીયા દૂધને કારણે અમારી દૂધ તેમજ અન્ય પ્રોડકટની છાપ ખરાબ થાય તેના કરતા ઓછુ દૂધ આવશે તો ચાલશે પણ જન આરોગ્ય સાથે ચેડા નહિ ચલાવી શકાઈ. રાજકોટ જિલ્લા દૂધ સંઘમા અગાઉ 5.75 લાખ લિટર દૂધ આવતું હતું. અત્યારે અમને 4.80 લાખ લિટર દૂધ મળે છે. આમ છતા કોઈ વાંધો આવતો નથી. ઘટે તો ફેડરેશનમાંથી દૂધ મળી રહે છે. દરરોજ જિલ્લા દૂધ સંઘ દ્વારા 3.25 લાખ લિટર દૂધનુ વેચાણ થઈ જાય છે. રોજ 1.03 લાખ લિટર છાશનું વેચાણ થાય છે. દહીં પણ દરરોજ 22 ટન વેચાય છે. દૂધની ગુણવતા સુધરતા અમારા પ્રોડકટની ડિમાંડ પણ 12 થી 15 ટકાના દરે વધી રહી છે.ઘી પણ 300 ટન વેચાય જાય છે. આ વખતે 850 કરોડના ટર્ન ઓવરમાં અમારો નફો 30 કરોડ આસપાસ થવાની શકયતા છે.

