દિલ્હી-ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના મામલે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે. જેમને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગતું હોય તો એને જે રાજ્યમાં જવું હોય ત્યાં એ જઈ શકે છે. જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર દિલ્હી-ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે આકરા પ્રહાર કર્યા છે. તેમણે એવું કહ્યું કે, જેમને ગુજરાત રાજ્યનું શિક્ષણ સારૂ ન લાગતું હોય તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં એ જઈ શકે છે.
ગુજરાતમાં જન્મ લીધો, શિક્ષણ મેળવ્યું એમને હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે. શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલના લોકાર્પણમાં આવેલા રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, આપણે તો કહ્યું જ છે કે, ગુજરાત આવો. વ્યવસ્થઆ જુઓ. શિક્ષણને લગતા જે સૂચનો લાગે એ કરો. પણ એ લોકોને ટીકા જ કરવી છે. આ પહેલા નીતિન પટેલે પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર નિવેદન આપ્યું હતું. જોકે, મહત્ત્વનું છે કે, થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, રાજ્યના શિક્ષણમંત્રી દિલ્હીની સરકારી સ્કૂલ જોવા માટે આવે. આમ આદમી પાર્ટી દરેક પ્રોટોકોલ ફોલો કરશે અને પૂરતું માન આપશે. જેને ધ્યાને લઈને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ પ્રકારનો વળતો જવાબ આપ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની હત્યાના પ્રયાસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોણ યુવરાજસિંહ? હકીકતમાં રાજકોટના પત્રકારોએ એક સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સામો સવાલ આવ્યો હતો. એક પછી એક સરકારી ભરતીમાં પેપર ફુટવા તેમજ અન્ય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરી સરકારને પરીક્ષાઓ રદ્દ કરવાની ફરજ પાડનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી નથી ઓળખતા!

એ પછી વાઘાણીએ કહ્યું હતું કે, કાયદો દેશના દરેક નાગરિકને લાગુ પડે છે. દરેક વ્યક્તિને પોતાની રજૂઆત કરવાનો અને સરકારનું ધ્યાન દોરવાનો અધિકાર છે. પણ કાયદો હાથમાં લેવાની વાત યોગ્ય નથી. સૌએ કાયદાની મર્યાદામાં રહીને વાત રજૂ કરવી જોઈએ. વિરોધ કરવો જોઈએ. જીતું વાઘાણીએ દાવો કરતા કહ્યું હતું કે, ભાજપ સરકારમાં યોગ્ય રીતે સરકારી નોકરીઓ અપાય છે. લેખિત પરીક્ષા લઈને નોકરીઓ આપવાની શરૂઆત ભાજપ સરકારમાંથી થઈ છે.

