HomeGujaratકેવી રીતે ભણશે ગુજરાત? માધ્યમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર પોપડા ખરે છે 7...

કેવી રીતે ભણશે ગુજરાત? માધ્યમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર પોપડા ખરે છે 7 ક્લાસ બંધ

રાજ્યમાં જ્યારે પણ શિક્ષણની વાત આવે છે ત્યારે સરકાર તરફથી મસમોટા દાવા કરવામાં આવે છે. સ્માર્ટ સ્કૂલની વાત માત્ર હવામાં છે પણ સરકારી સ્કૂલની હાલત જર્જરીત છે. જ્યાં ક્લાસમાં અંદર જતા જાણે કોઈ હચમચી રહેલા પાયાવાળી ઈમારતમાં આવ્યા હોય એવો ભાસ થાય છે. વિદ્યાર્થીઓ તો ઠીક હવે તો શિક્ષકોને પણ અહીં ભણાવવા આવવામાં બીક લાગે છે. વાત છે સૌરાષ્ટ્રના જેતપુરની. જ્યાં જલારામ માધ્યમિક શાળામાં છતમાંથી પોપડા ખરે છે.

અગાઉ ચાલુ ક્લાસે પોપડા ખરતા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. જ્યારે પ્રિન્સિપાલની માથે પણ પોપડું પડ્યું હતું. સ્કૂલની આવી કફોડી હાલતમાં 130 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યા છે. ક્લાસરૂમ જાણે મોતનો સમાન બની ગયો હોય એવી હાલત છે. અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પણ શિક્ષણતંત્ર જાણે કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈને બેઠું હોય એવો ઘાટ છે. ખાસ વાત તો એ છે કે, દબંગ ગણાતા રાજનેતા જયેશ રાદડિયાનો આ મત વિસ્તાર છે. આ સ્કૂલમાં કુલ આઠ ક્લાસ છે. પણ સાત ક્લાસરૂમના બારણે તાળા લટકે છે. કારણ કે, અંદર ક્લાસની છતમાંથી પોપડા ખરે છે. એટલે સાવચેતીના ભાગરૂપે તાળુ મારી દેવામાં આવ્યું છે. હાલમાં ધો.9 અને 10નો અભ્યાસ કરાવાઈ રહ્યો છે.

દસ વર્ગખંડ અભ્યાસ માટે, બે ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ માટે અને એક લાયબ્રેરી માટે હોય છે. પણ સ્કૂલની કમનસીબી એવી છે કે, માત્ર આઠ જ ક્લાસ રૂમ છે. જેમાંથી એક રૂમમાં બેસવા લાયક સ્થિતિ છે. એક બાજુ સરકાર ભણશે ગુજરાત અને શિક્ષિત સમાજના દાવા ઠોકી રહી છે. પરંતુ, ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કરવાનો ન તો એજ્યુકેશન ઈન્સ્પેક્ટરને ટાઈમ છે ન તો કોઈ શિક્ષણમંત્રીને. ભાર વગરના ભણતરના વાયદા ખોખલા સાબિત થયા હોય એવો આ પહેલો કિસ્સો નથી. ભય નીચે ભણતરનો આખો રીપોર્ટ છેલ્લા સાત વર્ષમાં સરપંચથી લઈને મુખ્યમંત્રી સુધી આપવામાં આવ્યો છે. પણ સાઉન્ડ પ્રુફ કાન ધરાવતા સત્તાધિશોને સ્કૂલની પીડા સંભળાતી નથી.

આચાર્ય વી.ડી. નૈયાએ વર્ષ 2016થી સરકારના દરેક સ્તરે આ સ્કૂલના નવીનીકરણ માટે રજૂઆત કરી છે. સરપંચને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પણ સત્તાધીશોમાં પણ જાણે સમજણનો અભાવ હોય એમ માત્ર રિપેરિંગના વજનવગરના વચન અપાય છે. કોઈ કંઈ કરતું નથી. વર્ષ 2016થી લઈને હજુ સુધી અહીં શિક્ષણકાર્ય ચાલું છે. અન્ય વર્ગો ચાલું કરવામાં આવે તોત ન છૂટકે ખુલ્લા મેદાનમાં બેસીને ભણવું પડે છે? ઉનાળાના ધમધોખતા તાપમાં શિક્ષણ કેમ લેવું અને કેવી પીડા થાય એનો અહેસાસ એસી ચેમ્બર્સમાં બેસનારા જિલ્લા શિક્ષણાધિકારીને ક્યાંથી હોય? આ સ્કૂલમાં નવા પ્રાણ રેડવા અને નવીનીકરણ કરાવવા માટેની માંગ ઊઠી છે. સ્થાનિક નેતાઓને પણ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી છે. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જ્યારે શિક્ષણમંત્રી હતા ત્યારે તેમને પણ રજૂઆત કરાઇ છે તો જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા જ્યારે કેબિનેટમંત્રી હતા ત્યારે તેમને પણ અનેક રજૂઆત કરાઇ છે. ઉજવણી અને ઉદ્યોગપ્રેમી સરકારને શિક્ષણના ધામની વેન્ટિલેટર પર શ્વાસ લેતી હોય એવી કોઈ શાળા દેખાતી જ નથી.

આચાર્ય વી.ડી. નૈયાએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા વિકાસ અધિકારીને, જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરાઇ છે. વર્ષ 2019માં જ્યારે પ્રવેશોત્સવની ઉજવણી થઈ ત્યારે પૂર્વમંત્રી જસુમતીબેન કોરાટે આ સ્કૂલની મુલાકાત કરી હતી. એ સમયે તેમણે ખાતરી આપી હતી કે હું સરકારને આ સ્કૂલનું બિલ્ડિંગ નવું બનાવી આપે એવી રજૂઆત કરીશ. હાલ શિક્ષણમંત્રી જીતભાઈ વાઘાણીને પણ આ સ્કૂલની રજૂઆત કરાઈ છે. વિદ્યાર્થીઓ કહે છે કે, ચાલું ક્લાસે પોપડા પડવાનો ડર લાગે છે. જેથી અભ્યાસમાં ધ્યાન રહેતું નથી. ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલ હોવાથી વાલીઓ એટલા સદ્ધર નથી કે ખાનગી સ્કૂલમાં ભણાવી શકે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW