રાજકોટમાં આવેલા યુનિવર્સિટી રોડ અને રૈયા રોડને જોડતા ટીપી રોડ ઉપર ખડકાયેલા અને રસ્તાને નડતર રૂપ બનતા 20 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. તો જે જે લોકોના મકાન તોડવામાં આવ્યાં તેઓએ સામે વળતર પેટે મકાનની માગ કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સવારથી જ યુનિવર્સિટી રોડ ઉપર આવેલી સવાણી કીડની હોસ્પિટલ નજીક ડિમોલીશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં રૈયારોડને જોડતા ટીપી સ્કિમ ઉપર ખડકાયેલા 20 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવ્યું હતું. તેમજ 521.40 ચોરસમીટરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મનપાની આ કાર્યવાહી સામે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો.

ત્યાં રહેતા સ્થાનિકના જણાવ્યા પ્રમાણે જેનું મકાન પાડો છો તેને રહેવા માટે ક્વાર્ટર આપો. ઘણા મકાન માલિકોએ હમણા જ ફર્નિચર સહિતનું કામ કરાવ્યું છે. ત્યારે મનપાની ટીમ દ્વારા આવા ગરીબ લોકોનું ઘર તોડી નાંખ્યું છે. તો આવા ગરીબ લોકો રહેવા માટે ક્યાં જશે. અમારૂ મકાન તુટ્યું છે તો અમને મકાન આપો. જે લોકોએ પોતાના મકાનમાં ખર્ચો કરાવ્યો છે તેમને ખર્ચો કોર્પોરેશન તંત્ર આપે. તેમજ આપણી સરકાર એટલી નબળી નથી. રાજ્યના મુખ્યમંત્રી પણ એટલા નબળા નથી કે જેનું મકાન તુટ્યું હોય તેમને ક્વાર્ટર આપી શકે નહીં.

