પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલા હલ્ધીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ પાસે શાહીબાગમાં આવેલી એક હોટેલમાં રેવ પાર્ટી ચાલતી હોવાની ચોક્કસ બાતમી રાજસ્થાન પોલીસને મળી હતી. પણ પાર્ટી કરનારા ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓ હશે એવી ક્યાં ખબર હતી. સુત્રોમાંથી વાવડ એવા પણ મળ્યા છે કે, આમાંથી એક વ્યક્તિ રાજકોટ અને મોરબીની પણ છે. રાજસ્થાન પોલીસે દરોડા પાડતા ગુજરાત રાજ્યના CID ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી, નવ મહિલાઓ સહિત કુલ 24 લોકો મોજ માણી રહ્યા હતા.
જેના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. ખમનેરના પોલીસ ઈન્સ્પેક્ટર નવલકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બીયરની અને દારૂ પણ કબજે કરાયો છે. પોલીસની સમજાવટ હોવા છતાં નશામાં મોજ કરતા લોકોએ ભારે હંગામો મચાવી દીધો હતો. પોલીસે આ તમામ સામે શાંતિ ભંગના ગુના અંતર્ગત ધરપકડ કરી લીધી છે. પોલીસે આ કેસમાં હોટેલ સંચાલકની પણ ધરપકડ કરી છે. હોટેલ સંચાલકનું નામ મદનલાલ રમેશચંદ્ર ઘાકડ, ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા દીપક હરેશભાઈ ભટ્ટ (આણંદ), મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ, ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદ લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ, આણંદના અતુલ પટેલ, લાંભવેલના યતીનકુમાર પટેલ સહિત 9 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ કેસમાં અન્ય વ્યક્તિઓ પણ સામિલ હોઈ શકે છે.
રાજસ્થાન ગુજરાત બોર્ડરથી નજીકની હોટેલ તથા ચોક્કસ વિસ્તાર આવી પાર્ટીઓ માટે જાણીતો છે. આ પહેલા પણ ગુજરાતમાંથી કેટલાક વેપારીઓ ત્યાં જુગાર અને પાર્ટી કરવા માટે પહોંચ્યા હતા. એ સમયે પણ રાજસ્થાન પોલીસે એના રંગમાં ભંગ પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

