મોરબીના વોર્ડ નમ્બર 14માં આવતા નવલખી રોડ પર આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા સ્થાનિકો આજે પાલિકા કચેરીએ ધસી ગયા હતા અને છેલ્લા ત્રણ માસથી પાણી ન મળતું હોવાની રજૂઆત કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી પાણીની લાઈન ફીટ કરવામાં આવી છે તેમ છતાં અહી ઘણા સમયથી પાણી આવતું નથી હાલ સ્થિતિ એ બની છે કે ત્રણ મહિનાથી ઘરમાં પાણી ન હોવાથી ન છૂટકે પોતાના ખિસ્સામાંથી મોંઘા પાણીના ટેન્કર ખરીદવા પડી રહ્યા છે આ બાબતે અગાઉ પણ અનેક રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિકોને પીવાના પાણી વિના ટળવળી રહ્યા છે .સ્થાનિકોએ આજે પાલિકા કચેરીમાં સૂત્રોચ્ચાર કરી પાલિકાના સત્તાધીશોને પાણી આપવા માંગણી કરી છે.

મોરબી પાલિકામાં જાણે રામ રાજ્ય હોય તેમ અવાર નવાર લોકોની રજૂઆત સાંભળનાર હાજર રહેતા નથી લોકો રજૂઆત કરવા આવે છે. પણ પાલિકા પ્રમુખ કે પછી જે તે વિસ્તારના કાઉન્સીલર કે ચીફ ઓફિસર હાજર મળતા નથી પરિણામે ક્લાર્કને આવેદનપત્ર આપી પોતાનો રોષ ઠાલવી જતા રહે છે સપ્તાહના પ્રથમ દિવસે જ પાલિકા કચેરીમાં બપોરે 12 વાગ્યા સુધી પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન મળતા અંતે સ્થાનિકોએ પોતાનો રોષ પાલિકા કર્મચારી સમક્ષ ઠાલવ્યો હતો અને સીનીયર ક્લાર્કને આવેદનપત્ર આપી રવાના થઇ ગયા હતા.

