અમદાવાદ,મંગળવાર
ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે બપોરે 3.30 વાગ્યે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પેપરલીક કાંડ મુદ્દે આપના નેતાઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા.જેમાં આમ આદમી પાર્ટી AAP અને ભાજપ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. જેમાં ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે આપ નેતાઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. આપના 6 નેતાઓ સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થતા સમગ્ર મામલાએ જોર પકડ્યું છે ત્યારે ગઈ કાલે મોડી રાત્રે આપના 28 જેટલા મહિલા કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં મહિલા કાર્યકરોએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કરાતા મહિલાઓને રાત્રે જ સાબરમતી જેલમાં મોકલી દેવાઈ હતી.
AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે. આ ફરિયાદ પ્રમાણે, આરોપીઓ કાવતરાપૂર્વક હુમલો કરવા આવ્યા હતા.. તેઓએ જુદા-જુદા સ્થળેથી માણસોને કમલમ ખાતે બોલાવ્યા અને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કર્યો તેવો ઉલ્લેખ કરાયો છે એટલું જ નહીં AAPના ટોળાએ ભાજપની મહિલા કાર્યકરોને શારીરિક અડપલાં કરી માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આની સાથે જ અભદ્ર ભાષા બોલીને પોલીસની ગાડીનો કાચ તોડ્યો સહિત તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આજે પણ તમામને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે 452, 341, 323, 143 સહિતની કલમો હેઠળ FIR દાખલ કરી છે.

