અલ્પેશ પટેલ, ગાંધીનગર, શનિવાર
ગૌણ સેવા મંડળનું હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ પોલીસે 11 નાની માછલીઓ સામે ગુનો નોંધી તપાસનો દોર આરંભ્યો છે. જે આરોપીઓ પકડાયા છે તે દલાલો છે અને કેટલાક પરીક્ષાર્થીઓ છે કે જેમણે પેપર ખરીદ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં હજુ મોટા મગરમચ્છ સુધી પોલીસ પહોંચી શકી નથી અને કદાચ પહોંચશે પણ નહી તેવું લાગી રહ્યું છે. જે આરોપીઓ પકડાયા છે તેમાંથી મોટાભાગના ભાજપ કે આરએસએસ સાથે સંકળાયેલા છે.
હેડ ક્લાર્કનું પેપર લીક કરનાર ગદ્દાર કોણ છે તે શોધવા પોલીસ મહેનત કરી રહી છે પણ હજુ સુધી એક વાત બહાર આવતી નથી કે, પેપર ગૌણ સેવાના સ્ટ્રોંગરૂમમાંથી કોણે લીક કર્યું. પેપર લીક કરનાર ગદ્દાર અસિત વોરા કે અન્ય કોઈ છે તેની કોઈ ચોખવટ હજુ સુધી કરાતી નથી. પોલીસ દળ-દળીને કૂલડીમાં ગોળ ભાગી રહી છે. મંડળના ચેરમેન અસિત વોરા રાજીનામું આપે તે માટે ઉગ્ર માંગણી થઈ રહી છે પણ રાજ્ય સરકાર અસિત વોરાના બચાવમાં ઉતરી છે. સરકારની દાનત ખારા ટોપરા જેવી હોય તેવું લાગી રહ્યું છે.
ગૌણ સેવા મંડળની કોઈ વ્યક્તિ વિના પેપરલીક થઈ શકે નહી આ વાત સામાન્ય માણસ પણ સમજી શકે છે પણ સરકાર હજુ સુધી આ વાતને સમજી શકી નથી. આરોપીઓ સામે ગુજકોસીટ દાખલ કરવાની જાહેરાત કરાઈ છે પણ આરોપીઓએ આતંકવાદી કૃત્ય કર્યું નથી અને આ કલમ કઈ કોર્ટમાં ટકી શક્શે તે પણ એક સવાલ છે. પ્રાંતિજ તાલુકાના ઊંછા, કોણીયાલ, હિંમતનગર અને પાટનાકૂવાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પણ હજુ મોટા મગરમચ્છ સુધી પોલીસ પહોંચી શકી નથી.
અસિત વોરા પ્રત્યે સરકારને આટલો બધો પ્રેમ કેમ ઉભરાય છે તે ચર્ચાનો વિષય છે. ભૂતકાળમાં અસિત વોરાના કાર્યકાળમાં પેપરો લીક થયા છે પણ અંતે તપાસમાં શુ થયું તેની કોઈ માહિતી બહાર આવી નથી. અસિત વોરાની ઉલટ તપાસ કરવામાં આવે તેવી માગણી આપ પાર્ટીના વિદ્યાર્થી પાંખના નેતા યુવરાજસિંહે પણ અગાઉ કરી છે. વારંવાર પેપર લીક થઈ રહ્યા છે અને સરકાર કડક સજા કરવામાં આવશે તેવું રટણ કર્યા કરે છે. ઘર ફૂટે ઘર જાય તેમ આ કાંડમાં ગૌણ સેવા મંડળમાંથી જ કોઈ વ્યક્તિનો દોરી સંચાર થયેલો છે તે ચોક્કસ જણાઈ રહ્યું છે. જાે કે, અસિત વોરાને બચાવવા માટે સરકાર ભારે ધમપછાડા કરી રહી છે અને નાની માછલીઓને પકડીને પોલીસ પણ બહાદુરીનું કામ કરી રહી છે.
હેડક્લાર્કનું પેપર લીક કરીને ૮૬ ઉમેદવારોનું સપન રોળનાર એ ગદ્દાર કોણ છે તેણે જાણવા માટે લાખો ઉમેદવારો બેતાબ છે.હાલ જે આરોપીઓ પકડાયા છે એ માત્રને માત્ર દલાલો છે અને કેટલાક પરીક્ષાર્થીઓ છે. પેપરલીક કરવામાં એવી કોઈ માસ્ટર માઈન્ડ વ્યક્તિ ચોક્કસ છે કે જે ગૌણ સેવા મંડળમાં બેઠેલી છે. ગૌણ સેવા મંડળના પેપર ત્યાં પ્રિન્ટ થયા હતા અને કયા સ્ટ્રોંગરૂમમાં રખાયા હતા એ માત્રને માત્ર અસિત વોરા અને સચિવને જ ખબર હતી તો પછી ત્રીજી વ્યક્તિ કોણ છે જેણે આ સમગ્ર કાંડ કર્યો છે. ત્રીજી વ્યક્તિ ન હોય તો પછી અસિત વોરા કે સચિવ જ પેપરકાંડના ગદ્દાર હોય શકે તેમાં બેમત નથી. યુવરાજસિંહ અગાઉ વાંરવાર કહી ચૂક્યો છે કે, અસિત વોરાને આ કેસથી દૂર રાખવામાં આવે. અસિત વોરાએ મોટા લાભ ખાતર આ સમગ્ર કાંડ કર્યો હોવાની શંકાઓ પણ બળવત્તર બની રહી છે પણ પોલીસ હજુ સુધી અસિત વોરાની ઉલટ તપાસ પણ કરી શકી નથી.
જે ૧૧ આરોપીઓ પકડાયા છે તેમની સામે તપાસનું નાટક કરવામાં આવશે અને ગૌણ સેવા મંડળના પગ નીચે રેલો આવશે એટલે તપાસ ઊંધા પાટે ચડાવી દેવામાં આવશે તેવું ઉમેદવારોને લાગી રહ્યું છે. અસિત વોરા જ આ પેપરકાંડનો માસ્ટમાઈન્ડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને રાજ્યના લાખો ઉમેદવારો અસિત વોરાના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. બે દિવસ સુધી આ જ અસિત વોરા એમ કહેતા હતા કે, અમને કોઈ ઠોસ પૂરાવા મળ્યા નથી. પ્રેસ કોન્ફરન્સમાં અસિત વોરાની બોડી લેંગ્વેજ ઘણું બધું બયાન કરી જતી હતી અને પત્રકારોના સવાલથી ભાગતા નજરે પડ્યા હતા.
હવે અસિત વોરાના પગ નીચે રેલો આવવાની શક્યતાઓ જણાઈ રહી છે ત્યારે સરકાર પણ અસિત વોરાને બચાવવા મેદાનમાં ઊતરી છે. ગૌણ સેવા મંડળને ખંભાતી તાળા મારવામાં કેમ આવતા નથી તેવા સવાલો ઉમેદવારો કરી રહ્યા છે. હેડ ક્લાર્કનું લીક થયેલું પેપર ૪૦થી વધારે ઉમેદવારો સુધી પહોંચી ગયું હતું. જાે આ કાંડ બહાર આવ્યો નહોત તો આ કાંડ રચનારા માસ્ટર માઈન્ડના પાપે આ ૪૦ લોકો પૈસાના જાેરે નોકરીએ લાગી જ ગયા હોત. ફૂલ પ્રૂફ સિસ્ટમના બણગાં ફૂંકનારી ભાજપની સરકાર પહેલા તો સ્વીકારતી નહોતી કે પેપર ફૂટ્યું છે પણ આખરે મીડિયાએ હોહા મચાવતા પેપર લીક થયું હોવાનો સ્વીકાર કરવો પડ્યો હતો. પેપરકાંડમાં ભૂતકાળમાં આરોપીઓ પકડાયા હતા પણ એ પછી કોઈ મોટા મગરમચ્છનું નામ આજ દિન સુધી બહાર આવ્યું નથી. 2020 બિન સચિવાલય ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું અને તેમાં પણ નાની માછલીઓને પકડવામાં આવી હતી.
રાજ્યના ઉમેદવારો ત્યાં સુધી કહી રહ્યા છે કે, જ્યાં સુધી અસિત વોરા ચેરમેન છે ત્યાં સુધી આ કાંડ થતા જ રહેવાના કેમ કે, અસિત વોરા જ સૌથી મોટા ગદ્દાર છે અને અસિત વોરા સામે તપાસનો ગાળિયો કસાવો જાેઈએ તો જ સત્ય બહાર આવી શકે તેમ છે. સ્ટ્રોંગરૂમમાંથી પેપર લીક કરવું એ ખાવાના ખેલ નથી પણ ગૌણ સેવા મંડળની કોઈ ભેદી વ્યક્તિ કે જે અસિત વોરા સાથે સંકળાયેલી છે અને તેના થકી આ સમગ્ર કાંડ સર્જાયો હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અસિત વોરાને રાજ્ય સરકાર છાવરી રહી છે તે ગુજરાતની દુર્ભાગ્ય છે અને સરકાર નિઃસહાય બનીને એવું સાબિત કરવા જઈ રહી છે કે, ગુજરાતમાં ઈમાનદાર અને પ્રતિભાશાળી અધિકારીઓની કમી હોય. અસિત વોરાને કેમ એક ઝાટકે તગેડી મૂકવામાં આવતા નથી, કેમ ફરીથી એક્સ્ટેન્શન આપવામાં આવે છે, કેમ અસિત વોરાને બીજી ટર્મ માટે ચેરમેન બનાવવામાં આવે છે આવા અનેક સવાલોના જવાબ ઉમેદવારોને મળતા નથી.

