ગ્રામીણ ક્ષેત્રના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ, પારદર્શક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સંવર્ધન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા જનકલ્યાણકારી પ્રયાસો સાર્થક સાબિત થઈ રહ્યા છે. આ દિશામાં વિશેષ સિદ્ધિ હાંસલ કરતા મોરબી જિલ્લાના હળવદ અને ટંકારા તાલુકાના એમ બે આયુષ્માન આરોગ્ય મંદિરોને તેમની શ્રેષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રીય કક્ષાનું પ્રતિષ્ઠિત NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વિશેષ નેશનલ એસેસર્સ દ્વારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયા હેઠળના ‘આયુષ્માન આરોગ્ય મંદિર – નવા દેવળિયા’ અને ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ હેઠળના ‘આયુષ્માન આરોગ્ય મંદિર – વિરપર’ ખાતે ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ 12 જેટલી આરોગ્ય સેવાઓ જેવી કે પ્રાથમિક આરોગ્ય ચકાસણી, સગર્ભા મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને માતૃત્વ સેવાઓ, શિશુ તથા બાળ આરોગ્ય અને પોષણ સંભાળ, કુટુંબ કલ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ, ચેપી અને બિન-ચેપી રોગોનું સચોટ નિદાન તથા સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટેનું માર્ગદર્શન, આયુષ અને યોગ પદ્ધતિઓ દ્વારા અપાતી સેવાઓ તેમજ શાળાના બાળકો માટેના હેલ્થ ચેકઅપ વગેરે તમામ ક્ષેત્રોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દર્દી-કેન્દ્રીત સેવાઓની ઉપલબ્ધતા, મેનેજમેન્ટ અને સ્ટાફની સનિષ્ઠ કામગીરીની ચકાસણીના અંતે હળવદના નવા દેવળિયા આયુષ્માન આરોગ્ય મંદિરને 94.27% અને ટંકારાના વિરપર આયુષ્માન આરોગ્ય મંદિરને 89.95% ના ઉચ્ચ ગુણાંક સાથે રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારી વિધ્યાસાગર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયા દ્વારા આ સમગ્ર સફળતા બદલ હળવદના તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચિંતન દોશી, મેડિકલ ઓફિસર ડો. નિશા પાડલિયા, ટંકારાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી.જી. બાવરવા, મેડિકલ ઓફિસર ડો. મૌલિક તેમજ તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો (CHO) અને બી આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ઉમેર્યું હતું કે આ સન્માન આરોગ્ય કેન્દ્રોની સુસજ્જ સુવિધાઓ, ઉત્તમ વહીવટી મેનેજમેન્ટ અને આરોગ્ય કર્મચારીઓની સખત મહેનતનું પરિણામ છે. ભવિષ્યમાં જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રો પણ નેશનલ લેવલે પ્રમાણિત થાય તે માટે સઘન કાર્યવાહી ચાલુ છે. સરકાર અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયાસોથી છેવાડાના નાગરિકોના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવી રહ્યો છે.
