મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે જુગાર વિરોધી અભિયાન દરમિયાન ગાળા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 2.16 લાખની રોકડ તેમજ 9 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2.92 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ગાળા ગામની સીમમાં આવેલી વિનોદભાઈ બચુભાઈ કડીવારની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં કેટલાક લોકો રોકડના દાવ પર જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી હર્ષદભાઈ મધુસુદનભાઈ હળવદીયા, અશ્વિનભાઈ હિરજીભાઈ ભટાસણા, ભાવેશભાઈ ઉર્ફે ભગીરથભાઈ રૂપાભાઈ અમૃતિયા, વિજયભાઈ ધનજીભાઈ ચાડમીયા, જયદીપભાઈ અવચરભાઈ કગથરા, પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ ઝાલા, ગણપતભાઈ મનહરભાઈ જાનવા, જયંતીલાલ હરજીવનભાઈ કડીવાર અને વાડીના કબ્જેદાર વિનોદભાઈ બચુભાઈ કડીવાર સહિત કુલ નવ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રૂ. 2,16,000ની રોકડ અને 9 મોબાઇલ ફોન (કિંમત રૂ. 76,000) મળી કુલ રૂ. 2,92,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ સામે જુગારધારા 4 અને 5 હેઠળ ગુનો નોંધી મોરબી તાલુકા પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

