મોરબીના વાંકાનેર હાઈવે પરથી એક ચકચારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માત સર્જી કારચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો છે.
વાંકાનેર-મોરબી હાઇવે પર આવેલા નર્સરી ચોકડી નજીક આ અકસ્માત સર્જાયો હતો. મૂળી તાલુકાના દાધોરિયા ગામના રહેવાસી બચુભાઈ વારેવડીયા પોતાનું મોટરસાઇકલ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી કાળ બનીને આવેલી GJ-36-AJ-4450 નંબરની સ્કોર્પિયો કારના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી બાઈકને ફંગોળ્યું હતું. ગંભીર ઈજાઓ થવાના કારણે બચુભાઈએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. ઘટના બાદ મૃતકના પુત્ર ઘનશ્યામભાઈ વારેવડીયાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વાંકાનેર હાઈવે પર નર્સરી ચોકડી પાસે હિટ એન્ડ રન! પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારે બાઈક સવાર વૃદ્ધને કચડ્યા, ઘટનાસ્થળે જ નીપજ્યું મોત. મૃતક મૂળીના દાધોરિયા ગામના હોવાનું સામે આવ્યું. અકસ્માત સર્જી કાર નંબર GJ-36-AJ-4450 નો ચાલક ફરાર. વાંકાનેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

