મોરબીના રવાપર-ઘુનડા રોડની કામગીરી માટે લાઇન શિફ્ટિંગ અને ૪૩ MLD હેડવર્કસના રિનોવેશનને લીધે મહાપાલિકાનો બે દિવસ પાણી કાપ: જાહેર જનતાને સહકાર આપવા અપીલ
મોરબી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખા દ્વારા એક અખબાર યાદી જાહેર કરીને શહેરીજનોને અગાઉથી જાણ કરવામાં આવી છે કે, શહેરમાં ચાલી રહેલા વિકાસલક્ષી અને રિનોવેશનના વિવિધ કામોને પગલે આગામી તા. ૧૪/૦૫/૨૦૨૬ (ગુરૂવાર) થી તા. ૧૫/૦૫/૨૦૨૬ (શુક્રવાર) સુધી એટલે કે સતત ૨ દિવસ માટે મોરબીના રવાપર સહિતના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણી કાપ માટેના મુખ્ય બે ટેકનિકલ કારણો નીચે મુજબ છે:
૧. રવાપર-ઘુનડા રોડ પર પાણીની લાઇનનું શિફ્ટિંગ
મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં હાલ રવાપર-ઘુનડા રોડ બનાવવાનું કામ ખૂબ જ પ્રગતિમાં છે. આ રોડની કામગીરી વચ્ચે મુખ્ય પાણીની પાઇપલાઇન નડતરરૂપ બની રહી છે. રોડનું કામ સુચારૂ રૂપે આગળ વધે તે માટે આ પાણીની લાઇનનું સીફટીંગ (બીજી જગ્યાએ ખસેડવી) કરવું અત્યંત આવશ્યક બન્યું છે. મહાપાલિકા દ્વારા આ શિફ્ટિંગની કામગીરી તા. ૧૪-૦૫-૨૦૨૬ થી તા. ૧૫-૦૫-૨૦૨૬ દરમિયાન કરવામાં આવનાર હોવાથી, આ ૨ દિવસ દરમિયાન સમગ્ર રવાપર વિસ્તારમાં પાણીનું વિતરણ બંધ રહેશે.
૨. ૪૩ MLD ગૌશાળા હેડવર્કસનું રિનોવેશન
આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ગૌશાળા હેડવર્કસ ખાતે ૪૩ MLD (મિલિયન લીટર પર ડે) કેપેસિટીના હેડવર્કસના રિનોવેશન અને મેન્ટેનન્સનું મહત્વનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી પણ તા. ૧૪ અને ૧૫ મે ના રોજ ચાલવાની છે. જેના કારણે ગૌશાળા હેડવર્કસથી કનેક્ટેડ એવા સુરજ બાગ, દરબાર ગઢ, રણછોડ નગર વગેરે હેડવર્કસથી વિતરણ થતા તમામ વિસ્તારોમાં ૨ દિવસ સુધી પાણી પુરવઠો ખોરવાશે.
જાહેર જનતાને મહાપાલિકાની અપીલ મોરબી મહાનગરપાલિકાની વોટર શાખાએ સંબંધિત તમામ વિસ્તારોની જાહેર જનતાને આ પાણી કાપ અંગે આગોતરી નોંધ લેવા અને તે મુજબ પાણીનો સંગ્રહ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવી લેવા વિનંતી કરી છે. તંત્ર દ્વારા વિકાસ અને સુવિધાના કામ અર્થે લેવાયેલા આ નિર્ણયમાં શહેરીજનોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

