મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તથા ખાણ-ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મોટું ખનીજ ચોરી કૌભાંડ બહાર આવ્યું છે. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમ વિસ્તારમાં સરકારી જમીનમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન સામે દરોડો પાડતા અંદાજે રૂપિયા 1.39કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મોરબી LCB-SOG ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો ગભરૂભાઈ રબારી સરકારી ખરાબાની જમીનમાં ગેરરીતે ખનન કામગીરી કરી રહ્યો છે. મળેલી માહિતીના આધારે પોલીસ દ્વારા ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને સાથે રાખી સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરોડા દરમિયાન સ્થળ પરથી એક JCB મશીન, ટ્રેક્ટર અને ડમ્પર મળી આવ્યા હતા, જેનો કુલ અંદાજિત મુદ્દામાલ રૂપિયા 1,39,00,000 જેટલો થતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે આરોપી ગભરૂભાઈ નાથાભાઈ રબારી (રહે. તરણેતર, તા. થાનગઢ) તથા વાલાભાઈ ગગજીભાઈ અલગોતર (રહે. જામવાડી, તા. થાનગઢ) સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

