ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે છતર GIDC વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી માહિતી મુજબ મોરબીના રહેવાસી પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયાએ ભાડે લીધેલા ગોડાઉનમાં મોટી માત્રામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતી હતી.
આ બાતમીને આધારે પોલીસ ટીમે ગોડાઉન પર દરોડો પાડી તપાસ કરતાં અંદરથી ઇંગ્લીશ દારૂની કુલ 4956 બોટલો મળી આવી હતી, જેના અંદાજિત કિંમત રૂ. 64,42,800 ગણવામાં આવી છે. ઉપરાંત ત્યાંથી પ્લાસ્ટિકના ચપ્પલના 27,600 નંગ, કિંમત રૂ. 27,60,000 તેમજ અન્ય સામાન મળી કુલ રૂ. 1,17,22,800નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ ચાર આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન ગોડાઉન માલિક પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફરાર આરોપી પ્રિન્સભાઈ વિરેન્દ્રભાઈ ઝાલરીયા (ઉંમર 22 વર્ષ), રહે. નાની વાવડી ગામ, ભગવતી પાર્ક સોસાયટી, હનુમાન મંદિર પાસે, તા.જી. મોરબી, મોરબી શહેરમાં હાજર હોવાની માહિતી મળતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ રીમાન્ડ મેળવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

