મોરબી અને વાંકાનેરના આગામી દાયકાઓના સુઆયોજિત વિકાસને ધ્યાને રાખી ‘મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ’ (MW-UDA) દ્વારા તૈયાર કરવામાં આવનાર ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની પ્રક્રિયામાં લોકભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ સહભાગી પરામર્શ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ, સિરામિક એસોસિએશન, બિલ્ડર એસોસિએશન અને સોલ્ટ એસોસિએશન સહિતના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રગતિને વેગ આપવા માટે ટ્રાફિક અને લોજિસ્ટિક્સનું સુઆયોજન, ભવિષ્યના ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરનું નિર્માણ અને ઔદ્યોગિક ટ્રાફિકના નિયમન અંગે હકારાત્મક મંથન કરવામાં આવ્યું હતું. શ્રમિક વર્ગ અને સામાન્ય નાગરિકો માટે સસ્તા દરે રહેણાંકના મકાનો ઉપલબ્ધ થાય તે હેતુથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનની નજીક ‘એફોર્ડેબલ હાઉસિંગ ઝોન’ના નિર્માણ અને વસ્તી ગીચતાના સંતુલન અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પૂર્વ મોરબી એટલે કે સામા કાંઠે વિસ્તારમાં હોસ્પિટલ, શાળાઓ અને બગીચાઓ જેવી સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા તેમજ હેરિટેજ અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ અંગે પણ સૂચનો લેવામાં આવ્યા હતા.
પર્યાવરણની જાળવણી માટે નવા GDCR મુજબ ઔદ્યોગિક વિસ્તારોમાં ‘ગ્રીન બફર ઝોન’ અને નવા ઝોનિંગની વ્યવસ્થા, હવાનું અને પાણીનું પ્રદૂષણ અટકાવવા માટેના અસરકારક પગલાં તેમજ વોટર ટ્રીટમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ-કેમિકલ વેસ્ટના સુવ્યવસ્થિત નિકાલ અંગે ગંભીરતાથી ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત, ઉર્જા ક્ષેત્રે રિન્યુએબલ એનર્જીના મહત્તમ ઉપયોગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી જાહેર સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક થકી મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસ માટે તમામ હિતધારકોના સહયોગથી એક સંતુલિત અને આધુનિક વિકાસ નકશો તૈયાર કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

