રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વંદે માતરમ્ @ 150’ ફેઝ-2ની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ઐતિહાસિક મણીમંદિરથી પ્રારંભ થયેલી આ પદયાત્રામાં મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ અને મોરબીવાસીઓ જોડાયા હતા.
વંદે માતરમ્ @ 150’ના આ દ્વિતીય તબક્કાની ઉજવણી દ્વારા મોરબી જિલ્લામાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આયોજિત આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ મણીમંદિર ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે શિસ્તબદ્ધ રીતે આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચી હતી. જ્યાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે ભાવવંદના સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને વંદે માતરમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ભારતના સંવિધાન અને સંસ્કૃતિમાં તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

