હળવદના સરા ચોકડી પાસે આજે વહેલી સવારે પોલીસે પશુ તસ્કરી અને ક્રૂરતાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જીવદયા પ્રેમીઓ અને હળવદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી. પરમાર અને તેમની ટીમ દ્વારા એક શંકાસ્પદ આઈસર ગાડી (GJ-15-YY-5757) ને અટકાવી હતી. તપાસ દરમિયાન ગાડીના ઠાઠામાં અત્યંત દયનીય હાલતમાં, ટૂંકા દોરડાથી બાંધેલા અને ઘાસચારા કે પાણીની સુવિધા વિનાના ૩૫ જીવંત પાડા મળી આવ્યા હતા. આઇશર ચાલક જાવિદ ખાન ઇકબાલ ખાન (રહે. ઉત્તર પ્રદેશ, હાલ અમદાવાદ) કોઈ પણ પ્રકારની પરમિટ કે આધાર વગર આ પશુઓની હેરાફેરી કરી રહ્યો હતો. પોલીસે કુલ ₹૨,૭૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પશુ ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ફરિયાદી અનોપસિંહ ઝાલાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

