HomeGujaratજમીન વળતર મુદ્દે સરકારી વિભાગની મિલકત જપ્ત કરવા રાજકોટ કોર્ટનો આદેશ

જમીન વળતર મુદ્દે સરકારી વિભાગની મિલકત જપ્ત કરવા રાજકોટ કોર્ટનો આદેશ

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલી વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર ધોળાવીરા માટે ખેડૂતો પાસેથી સંપાદિત કરાયેલી જમીનના વળતર મુદ્દે ફરી એકવાર મોટો વિવાદ ઉભો થયો છે. કોર્ટના આદેશ છતાં વધારાનું વળતર ચૂકવવામાં ન આવતા રાજકોટ સિવિલ કોર્ટ દ્વારા પુરાતત્ત્વ વિભાગની રાજકોટ સ્થિત કચેરીની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે.

કોર્ટના આદેશ અનુસાર બેલિફ, અસરગ્રસ્ત ખેડૂતો અને તેમના વકીલ સાથે રાજકોટ સ્થિત પુરાતત્ત્વ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં મિલકત જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા અધિકારીઓમાં દોડધામનો માહોલ સર્જાયો હતો.

આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી. તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા ધોળાવીરા હેરિટેજ સાઇટના સંરક્ષણ માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ભચાઉ તાલુકાના કુલ 9 ખેડૂતોની અંદાજે 125 એકર જેટલી જમીન સરકાર હસ્તક લેવામાં આવી હતી. જોકે તે સમયે ખેડૂતોને માત્ર 0.64 રૂપિયા પ્રતિ ચોરસ મીટર જેટલું અત્યંત ઓછું વળતર ચૂકવવામાં આવ્યું હતું.

આ બાબતે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરતા અસરગ્રસ્ત ખેડૂતો કોર્ટમાં ગયા હતા અને લાંબી કાનૂની લડત શરૂ કરી હતી. ખેડૂતોના વકીલ પ્રિયન નાકરે જણાવ્યું હતું કે વર્ષ 2005થી આ કેસની લડત ચાલુ છે. અંતે 31 જુલાઈ 2023ના રોજ ભચાઉ કોર્ટ દ્વારા ખેડૂતોના પક્ષમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે પુરાતત્ત્વ વિભાગને ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 9.57 રૂપિયા મુજબ વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ભચાઉ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં પુરાતત્ત્વ વિભાગ દ્વારા લાંબા સમય સુધી વધારાનું વળતર ચૂકવવામાં આવ્યું નહોતું. આ મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, જ્યાં કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ જવાબદાર અધિકારીને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તેમ છતાં પણ વળતર ચુકવણી અંગે કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા ખેડૂતોને ફરી એકવાર કોર્ટનો સહારો લેવો પડ્યો હતો. તાજેતરમાં રાજકોટ સિવિલ કોર્ટ દ્વારા પુરાતત્ત્વ વિભાગની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી માટે આદેશ આપવામાં આવતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW