ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે પડોશમાં રહેતા પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં સગીરા તેના માતા-પિતા સાથે તાડપત્રીથી બનાવેલા ઝૂંપડામાં રહેતી હતી. ઝૂંપડામાં મુખ્ય દરવાજો કે પાછળની મજબૂત દીવાલ ન હોવાથી સુરક્ષા વ્યવસ્થા નબળી હતી. ઘટનાની રાત્રે મચ્છરોના ઉપદ્રવને કારણે ઘરમાં ધુમાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે માતા-પિતા ધાબળો ઓઢીને ઊંઘી ગયા હતા. આ દરમિયાન રાત્રે અંદાજે એકથી બે વાગ્યાની વચ્ચે પડોશમાં રહેતો પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર અંધારાનો અને ઘરમાં દરવાજો તેમજ વીજળી ન હોવાનો લાભ લઈ અંદર પ્રવેશ્યો હતો.
આરોપીએ બાળકી સાથે અશ્લીલ હરકતો કર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બૂમાબૂમ કરતી થતાં આરોપી અંધારાનો લાભ લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીની હરકત કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
આ બનાવ અંગે બાળકીના પિતાએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ઉપરાંત, આરોપી બુટલેગરનો ભાઈ હોવાના કારણે ફરિયાદ બાદ કેટલાક અસામાજિક તત્વો પીડિત પરિવારના ઘરે પહોંચી ઝઘડો કરી ધમકી આપ્યાની ચર્ચા પણ ચાલી રહી છે. જેના પગલે પીડિત પરિવારે રાત્રે 112 પર કોલ કરીને પોલીસની મદદ માંગી હતી.

