HomeGujaratપુત્રને જર્મનીમાં ભણાવવા પિતાએ ગાંજાનો વેપલો શરૂ કર્યો

પુત્રને જર્મનીમાં ભણાવવા પિતાએ ગાંજાનો વેપલો શરૂ કર્યો

સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલા હાઈબ્રીડ ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે. ઝડપાયેલા ત્રણ લોકોની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. જીતુ ધામેલિયા નામના શખસનો પુત્ર જર્મીનમાં MBA કરી શકે તેના માટે 12 લાખ રૂપિયાની જરુર હતી. જે શોર્ટકટ પૂરી શકાય તે માટે તેને હાઈબ્રીડ ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું. પોતાના પુત્રના હાથમાં ઉચ્ચ ડિગ્રી જોવા માગતા જીતુએ અન્યના સંતાનોને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો. જ્યારે BCAમાં એટીકેટી આવ્યા બાદ આડારસ્તે ચડેલો એક યુવક વચેટીયાનું કામ કરતો અને સ્કોલેન્ડમાં MBA કરવા ગયેલો પરંતુ, ફેલ થયેલો યુવક હાઈબ્રીડ ગાંજાની સપ્લાય કરતો હતો. ગાંજાનો સપ્લાયર અમેરિકન નંબરનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

સુરતની ચોક બજાર પોલીસે આ ગુંચવાયેલા નેટવર્કને ઉકેલી કાઢી ત્રણેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમની પૂછપરછમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ રેકેટની પહેલી અને મહત્વની કડી છે જીતુ નાગજીભાઈ ધામેલીયા. જીતુ સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ‘ગોલ્ડન ઝોન સેન્ટર’ નામે દુકાન ચલાવે છે. પ્રથમ નજરે આ એક સામાન્ય વેપારનું સ્થળ લાગે, પરંતુ પોલીસની બાતમી મુજબ, આ ‘ગોલ્ડન ઝોન’ યુવાનો માટે ‘ડ્રગ ઝોન’ બની ગયું હતું.

ડીસીપી રાઘવ જૈન એ જણાવ્યું હતું કે , જીતુ ધામેલીયાનું એક મોટું સપનું હતું. તે પોતાના પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે જર્મની મોકલવા માંગતો હતો. તેનું લક્ષ્ય હતું કે, તેનો પુત્ર જર્મનીની નામાંકિત યુનિવર્સિટીમાંથી ‘ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA’ ની ડિગ્રી મેળવે. આ સપનું મોંઘું હતું અને તેને સાકાર કરવા માટે મોટી રકમની જરૂર હતી. પૈસાની આ જ જરૂરિયાતે જીતુને શોર્ટકટ લેવા મજબૂર કર્યો. તેણે પોતાની દુકાન ‘ગોલ્ડન ઝોન સેન્ટર’ ને હાઇબ્રીડ ગાંજાના વેચાણનું કેન્દ્ર બનાવી દીધું. અહીં આવતા-જતા યુવાનોને તે ગુપ્ત રીતે ગાંજાનું વેચાણ કરતો.

આ રેકેટનો બીજો આરોપી છે ધ્રુવ પ્રફુલ પટેલ. ધ્રુવ એક તેજસ્વી કારકિર્દી બનાવી શક્યો હોત. તે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ BCAનો વિદ્યાર્થી છે. ટેક્નોલોજીના આ યુગમાં BCAની ડિગ્રી ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપી શકે છે. મળતી માહિતી મુજબ, ધ્રુવ પટેલ BCAના ફાઇનલ યરમાં હતો, ત્યારે તેને ATKT આવી એટલે કે તે અમુક વિષયોમાં નાપાસ થયો. અભ્યાસમાં આવેલી આ અડચણે તેને હતાશ કરી દીધો. આ એ જ સમય હતો જ્યારે તે ‘સરળ પૈસા’ કમાવવાની લાલચમાં ફસાયો. ધ્રુવ અવારનવાર જીતુ ધામેલીયાની દુકાન ‘ગોલ્ડન ઝોન’ પર બેસવા જતો હતો. અહીં જ તેનો સંપર્ક જીતુ સાથે ગાઢ બન્યો અને તે પોતે પણ આ ડ્રગ્સના વેપારમાં મિડલમેન તરીકે જોડાયો. કમ્પ્યુટરના ‘કોડિંગ’ માં અટવાયેલો ધ્રુવ, ગુનાખોરીના ‘કોડવર્ડ્સ’ માં એવો ફસાયો કે તેણે પોતાની આખી કારકિર્દી દાવ પર લગાવી દીધી.ધૃવનું કામ સપ્લાયર પાસેથી ગાંજો લાવીને જીતુ ધામેલીયા જેવા પેડલરોને પહોંચાડવાનું હતું. એક નાનકડી શૈક્ષણિક નિષ્ફળતાએ તેને ટેલેન્ટેડ કોડર બનવાને બદલે એક ગુનેગાર બનાવી દીધો.

ચોક બજાર પોલીસે આ ત્રણેય આરોપીઓને દબોચી લીધા
આરોપી 1. જીતુ નાગજીભાઈ ધામેલીયા (પુત્રને MBA કરાવવા ગાંજો વેચનાર પિતા) 2. ધ્રુવ પ્રફુલ પટેલ (BCA માં ATKT આવતા વચેટિયો બનેલો વિદ્યાર્થી)
3. જય સતીશભાઈ માવાણી (સ્કોટલેન્ડથી MBA ફેલ થયેલો મુખ્ય સપ્લાયર)ને ચોક બજાર પાસેથી દબોચી લીધા હતા.

આ ધરપકડ સુરત પોલીસના ‘નો ડ્રગ્સ’ અભિયાનની મોટી સફળતા છે. પરંતુ આ કિસ્સો સમાજ માટે એક લાલબત્તી સમાન છે. તે દર્શાવે છે કે કેવી રીતે ઉચ્ચ શિક્ષણની મહત્વાકાંક્ષા, શૈક્ષણિક નિષ્ફળતાની હતાશા અને ઝડપી પૈસા કમાવવાની લાલચ યુવાનોને અને વાલીઓને પણ ગુનાખોરીના એવા અંધારામાં ધકેલી શકે છે, જ્યાંથી પરત ફરવાનો કોઈ રસ્તો નથી. જે MBA ની ડિગ્રી બે યુવાનોના જીવનનું કેન્દ્ર હતી, તે જ MBA ના નામે એકનું ભવિષ્ય શરૂ કરવા બીજા હજારોના ભવિષ્ય બરબાદ થઈ રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW