મોરબી નજીકના બગથળા ગામે બેસતા વર્ષ નિમિત્તે નકલંક દાદાના મંદિરે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી કાંતિ અમૃતિયાએ તેમના ધર્મપત્ની સાથે દાદાના દર્શન કરી ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી
નવા વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુદા જુદા ગામો અને શહેરોમાંથી નકલંક દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોના સહયોગથી આયોજિત આ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો હજારો લોકોએ લાભ લીધો હતો. આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી અહીં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.
નકલંક મંદિરની સ્થાપના 207 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ રાખવામાં આવે છે. મોરબી શહેર બગથળા સહિતના આસપાસના 10 જેટલા ગામમાં આસપાસના ગામોના હજારો લોકો આ પરંપરાનો લાભ લે છે.મંદિરના મહંત દામજી ભગતના જણાવ્યુ હતું.
મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પત્ની જ્યોત્સનાબેન અમૃતિયા સાથે નકલંક દાદાને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. આગામી સમયમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા અનેક કાર્યો રાજ્ય અને કેન્દ્ર સરકારના માધ્યમથી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.



