મોરબીમાં એક દિવસમાં આપઘાતની અલગ અલગ બે ઘટના બની હતી પ્રથમ ઘરના લાલપર ગામમાં બની હતી જેમાં એક મહિલાએ પોતાના ઘરમાં અંતિમ પગલું ભર્યું હતું, જ્યારે રફાળેશ્વર ગામ નજીક એક યુવાને કારખાના પાસે ગળાફાંસો ખાધો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ ઘટના મોરબીના લાલપર ગામે બની હતી. અહીં ૨૦ વર્ષીય કૂમાબેન અમિતકુમાર નામની પરિણીતાએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતક મહિલાના લગ્નને ચાર વર્ષ થયા હતા. પોલીસે મહિલાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.
બીજી ઘટના રફાળેશ્વર ગામ નજીક આવેલા વેલ્સા સિરામિક કારખાના પાસે બની હતી. અહીં કારખાનાના ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની ૨૦ વર્ષીય ગોપાલભાઈ હુકમસિંહ ઉર્ફે હોકમસિંહ યાદવ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાના પાસે ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમને પણ પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે. યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


