Saturday, October 25, 2025
HomeGujaratનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષકોને ચેક આપી સન્માનિત કર્યા

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષકોને ચેક આપી સન્માનિત કર્યા

મોરબી: શિક્ષકએ સમાજના સાચા દિશાદર્શક હોય છે, અને તેવા શિક્ષકોને સન્માન આપવાની પરંપરા જો ક્યાંક જીવંત છે તો તે છે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં. તાજેતરમાં નવયુગ પરિવાર દ્વારા એક ભવ્ય કાર્યક્રમ યોજી શિક્ષણ ક્ષેત્રે અદ્વિતીય યોગદાન આપનાર શિક્ષકોને ચેક આપીને ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા.

કાર્યક્રમ દરમિયાન જયારે મંચ પરથી એક પછી એક શિક્ષકોના નામ ઘોષિત થતા ગયા, ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બોર્ડના પરિણામોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર, પોતાના વિદ્યાર્થીઓને 100 માંથી 100 ગુણ અપાવનાર શિક્ષકો તથા જિલ્લાસ્તરે રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓના માર્ગદર્શકોને વિશેષ માન આપવામાં આવ્યું.

આ પ્રસંગે કુલ ₹5 લાખથી વધુ રકમના ચેક આપી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. જે સમગ્ર મોરબી જિલ્લામાં શિક્ષક પ્રોત્સાહન માટેનું અદભૂત ઉદાહરણ બની રહ્યું છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હંમેશા એવી સંસ્થા રહી છે જ્યાં શિક્ષક માત્ર કર્મચારી નથી, પરંતુ પરિવારનો ભાગ છે.

અહીં શિક્ષકોને સમયની પાબંદીમાં દબાણ નથી, મોડા આવવાથી દંડ નથી, કોઈ આર્થિક દંડ કે પેનલ્ટી નથી અને સૌથી અગત્યનું-દરેક શિક્ષકને સન્માન અને પ્રોત્સાહન મળે છે. દર વર્ષે સંસ્થા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, બેસ્ટ એક્ટિવિટી ટીચર એવોર્ડ, એચિવમેન્ટ એવોર્ડ જેવી કેટેગરીઓમાં પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

બોર્ડ કે યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ પરિણામ આપનાર શિક્ષકો, પ્રોફેસર તેમજ સહ-અભ્યાસિક ક્ષેત્રોમાં ડાન્સ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, એનસીસી, એનએસએસ,કલા મહાકુંભ, ખેલ મહાકુંભ,સ્પોર્ટ્સ, ડ્રોઈંગ,વક્તૃત્વ વગેરેમાં ઉત્તમ પ્રદર્શન કરનારને પણ રોકડ પુરસ્કાર અથવા ચેક આપી સન્માનિત કરવામાં આવે છે. આવી શિક્ષકોને પ્રાથમિક સ્થાને રાખતી સંસ્કૃતિ છેલ્લા 15 વર્ષથી મોરબીમાં માત્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન જ જાળવી રહ્યું છે અને આ જ તેની ઓળખ છે.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાએ કહ્યું કે, “શિક્ષક એ સંસ્થાનો આત્મા છે. તેમની મહેનત વિના કોઈ પણ સંસ્થા સફળ થઈ શકતી નથી. શિક્ષકના સમર્પણને માન આપવું એ અમારી સંસ્થાની સંસ્કૃતિ છે, ફરજ નથી.” કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રિન્સિપાલ્સ, ટ્રસ્ટીશ્રી તથા શિક્ષકોની આંખોમાં ગર્વ અને આનંદની ચમક સ્પષ્ટ દેખાતી હતી. તાળીઓના ગડગડાટ વચ્ચે દરેક સન્માન પળને સૌએ હૃદયથી અનુભવી હતી.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો આ ઉપક્રમ માત્ર સન્માન નથી આ છે “શિક્ષક પ્રત્યેના આદર અને આભારની જીવંત પરંપરા,” જે સમગ્ર મોરબીમાં એક નવી પ્રેરણા બની રહી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,140SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page