માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામમાં રહેતા અનુસુચિત જાતિના લોકો માટે સ્મશાન અને 100 ચોરસવાર પ્લોટની તંત્ર સમક્ષ લાંબા સમયથી માગણી ચાલી રહી છે. જેમાં સ્મશાન ભૂમિ માટે અનુ સૂચિત જાતિના લોકો દ્વારા જે સ્થળે સ્મશાન માંગણી કરી છે, તે પ્રાંત અધિકારી દ્વારા નીમ કરવા આદેશ કરી ગ્રામ પંચાયતને માપણી કરાવવા અને તેના માટે જરૂરી માપણી ફી ભરવા આદેશ કર્યો હતો. જોકે ઘણા સમય થવા છતાં ગ્રામ પંચાયત આ મુદે કોઈ નિર્ણય ન લેતી હોવાથી બે દિવસ પહેલા મળેલી ગ્રામ સભામાં અનુસુચિતના લોકો રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. જોકે ગામના સરપંચ રજૂઆત સાંભળવાના બદલે સભા અદ્ધ વચ્ચે પૂર્ણ કરતા અનુ સૂચિત જાતિના મહીલા સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રશ્મિકાબેન અને તેમના પતિ બીપીનભાઈ તલાટી મંત્રી અને સરપંચને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા પહોચ્યા હતા. જોકે સરપંચ તેમજ ચૂંટાયેલા સદસ્ય વચ્ચે ચર્ચા ચાલતી હતી, તે દરમિયાન પ્રકાશભાઈ અને ભાવેશભાઈ ત્યાં આવી પહોચ્યા હતા અને તમારે કઈ કરવાનું થતું નથી સરપંચ પણ કઈ નહી કરી દે તેમ ધમકાવવા લાગ્યા હતા. આ દરમિયાન બીજા બે સભ્ય ઘેલાભાઈ અને બલવંત ભાઈ આવી પહોચ્યા હતા અને રશ્મિકા બેનને હાલતી થા નીકળી જતા અમે તને ગણતા નથી તેવા અપમાનજનક શબ્દો ઉચ્ચારી મહિલાની ગરિમા નું હનન કર્યું હતું અને હવે બે દિવસની સભ્ય છો તેમ કહી અપમાનિત કર્યા હતા.
આ ઘટના બાદ રશ્મિકાબેન અને તેમના પતિ તેમજ ગામના આગેવાનો તેમની સાથે થયેલા વ્યવહારને કારણે રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. એસપી મુકેશ કુમાર પટેલને રજૂઆત કરતા એસપી દ્વારા સમગ્ર ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ઘટના બાદ માળિયા મિયાણા પોલીસે સમગ્ર ઘટનામાં રશ્મિકાબેનની ફરિયાદ આધારે ભાવેશભાઈ ખીમજીભાઈ સુવારીયા, પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ફૂલતરિયા, બળવંતભાઈ ભીખાભાઈ કુકરવાડિયા અને ઘેલાભાઈ કચરાભાઈ સુવારીયા વિરુદ્ધ બી એન એસ કલમ 351(2), 54 તેમજ એટ્રોસિટી એકટની કલમ 3(1)R અને 3(2)(5A) મુજબ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.