મોરબી મહાનગરપાલિકાએ હમણાં જ જાહેર કરેલી ઓનલાઈન કરવેરો ભરવાની સિસ્ટમ કામિયાબ નીવડી છે. જેમાં એકાદ મહિનામાં મહાપાલિકાની ઓનલાઈન વેરો ભરવાની સિસ્ટમથી કરવેરાની આવકમાં વધારો થયો છે. 21 જુલાઈથી 19 સપ્ટેમ્બર સુધીમાં લોકોએ ઓનલાઈન માધ્યમથી કુલ રૂ. 1,01,14,876 નો ટેક્સ ભર્યો છે. 30 સપ્ટે. સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10 ટકા એડવાન્સ રિબેટ અને ઓનલાઈન પેમેન્ટમાં 2 ટકા વધારાનું રિબેટ મળશે તેવું મહાપાલિકાએ જાહેર કર્યું છે.
મોરબી મહાપાલિકાએ લોકોની સુવિધા માટે એક વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જેનાથી હવે નાગરિકો ઘર બેઠા ઘણી સેવાઓનો લાભ લઈ શકે અને ખાસ તો આ નવી ડિજિટલ સેવાઓથી લોકો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરી શકે તે માટે આ મોબાઈલ એપ.જાહેર કરવામાં આવી છે. જેનાથી એક મહિનામાં મનપાને ભારે ફાયદો થયો છે. જેમાં મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સતાવાર આંકડા અનુસાર, 21 જુલાઈ 2025 થી 19 સપ્ટેમ્બર 2025 સુધીમાં લોકોએ ઓનલાઈન માધ્યમથી કુલ રૂ. 1,01,14,876નો ટેક્સ ભર્યો છે. આ ઉપરાંત, ટેક્સ કલેક્શન સેન્ટરો દ્વારા રૂ. 4,36,75,470 અને ક્લસ્ટર ઓફિસો દ્વારા રૂ. 67,32,647નો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે. મહાપાલિકાએ લોકોને 30 સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં વેરો ભરવા તાકીદ કરી છે. આ સમયગાળામાં વેરો ભરનાર લોકોને ચાલુ વર્ષના મિલકત વેરા પર 10 ટકા એડવાન્સ રિબેટ મળશે, અને જો તેઓ ઓનલાઈન ચુકવણી કરશે તો વધારાનો 2 ટકા રિબેટ પણ મળશે. આ નવી એપ્લિકેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ 1167 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી 568 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકીની ફરિયાદો પર કાર્યવાહી ચાલી રહી છે.
મહાનગરપાલિકામાં હવે લોકો ઓનલાઈન વેરો ફરી પોતાની ફરજ પૂરી કરી રહ્યા છે ત્યારે તંત્ર પણ લોકોની સમસ્યાઓના ઉકેલ માટે તત્પરતા બતાવે અને યોગ્ય જગ્યા પર પ્રશ્નોના ઉકેલ લાવી તેવી પણ લોકોમાં માંગ ઉઠી છે.

