મોરબી: આગામી 17, સપ્ટેમ્બર 2025 બુધવારના રોજ ભારત વર્ષના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેમનો આ પ્લેટીનમ બર્થ ડે વિશેષ સેવા કાર્યથી ઉજવવો જોઈએ, આ માટે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિશિષ્ટ આયોજન કર્યું છે. પર્યાવરણની રક્ષા માટે, જંગલો વધે અને પ્રકૃતિનું ચક્ર સારી રીતે ચાલે એ માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધર્યું છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં, મચ્છુ ડેમ નં.2 ની બાજુમાં જોધપર ગામ નજીક, સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા વન વિભાગના સહયોગથી 10 લાખ જેટલા વૃક્ષોનું ‘નમો વન’ મીયાવાકી જંગલ બનાવવામાં આવી રહ્યું છે. તા. 17-સપ્ટે. 2025 બુધવારના રોજ આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી પધારશે. તેઓના વરદ્હસ્તે આ ‘નમો વન’ માનનીય પ્રધાનમંત્રીને વર્ચ્યુલી અર્પણ થશે. 75 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાનમાં 7500 પ્રજાજનો-કાર્યકરોની ઉપસ્થિતિમાં આ સમારોહ સંપન્ન થશે.