રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગનો દોર ચાલી રહ્યો હોયત તેમજ ચાલુ સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્રના જુનાગઢ પોરબંદર અને ગીર ર્સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળ્યા બાદ હવે ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. 40થી 50 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે. દરિયા કિનારે પોર્ટ પર સિગ્નલ-3 લગાવાયું છે.
આજે 7 જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા
આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
25 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે

