મોરબી જિલ્લામાં 11 ઓગસ્ટ સુધીમાં સરેરાશ કુલ 65 ઇંચ વરસાદ નોધાયો છે. તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકાનો 15.2 ઇંચ, ટંકારા તાલુકાનો 15.4 ઇંચ, વાંકાનેર તાલુકાનો 14.36 ઇંચ, હળવદ તાલુકાનો 10 ઇંચ જયારે માળિયામાં 9.2 ઇંચ વરસાદ નોધાયો છે.
ચોમાસું પાક વાવેતર થયાને લગભગ દોઢથી બે મહિના જેટલો સમય થયો છે અને મગફળીના પાકમાં ફૂલ અને સુયા બેસવાનો આ અત્યંત નજીકનો સમય છે અને આવી સ્થિતિમાં પાકને પુરતો ભેજ મળવો જરૂરી છે. પિયત ન મળતા સમયસર ફૂલ અને સોયા ન બેસે તો પાકની વૃદ્ધિ અટકે છે. કપાસની પણ આ સ્થિતિ છે, તેમાં અત્યારે પાણી અત્યંત મહત્વનું છે. મગફળી જેવા પાકમાં મુંડા અને સફેદ ફૂગ પણ આવવાની શરુ થઇ છે તો કપાસમાં થ્રીપ્સ નામની જીવાતનો પણ ક્યાંક ક્યાંક ઉપદ્રવ વધ્યો હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે. જેથી જે ખેડૂત પાસે પિયતની સુવિધા છે તેને આ સપ્તાહમાં પિયત આપી દેવું જોઈએ. જો હજુ એક સપ્તાહ વરસાદ ખેચાશે તો ચોમાસું પાકનું ચિત્ર બદલાઈ શકે છે તે કૃષિ તજજ્ઞ ડો. ગનીભાઈ પટેલે જણાવ્યું હતું.
માળીયા તાલુકાના ગામમાં સારા ચોમાસાની આશાએ વાવેતર ખુબ વધારે થયું હતું. જુન જુલાઈમાં અન્ય તાલુકાની સરખામણીએ ઓછો વરસાદ થયો છે અને અમારા તાલુકાના 42 ગામ એવા છે. જ્યાં સિંચાઈની કોઈ સગવડ નથી હજુ ગામના તળાવમાં એટલુ પાણી નથી હોતું કે ચોમાસું પાકને જીવનદાન મળી શકે અમે સિંચાઈ સુવિધા માટે લડીએ છીએ. જોકે તે જયારે મળે ત્યારે હાલ આ અઠવાડિયુ પાકના માટે અત્યંત મહત્વનું છે. અમે હાલ વીઘા દીઠ 5000 જેટલો ખર્ચ કરી નાખ્યો છે. આ સપ્તાહમાં વરસાદ નહી થાય તો પાક નિષ્ફળ જશે તેવો અમને ભય છે તેમ ખેડૂત અગ્રણી ભાવેશભાઈ કાવરે જણાવ્યું હતું.


