મોરબી જીલ્લો ખેતીમાં સમૃદ્ધ છે અને તેને લઈને ભળતા નામના બિયારણોના પેકિંગ કરી ખેડૂતોને સર્ટીફાઈડના નામે વેચાણ કરીને છેતરપીંડી આચરવાનું કારસ્તાન અંગે માળિયા પોલીસ મથકે ખેડૂતે ફરિયાદ નોધાવી છે. જેમાં ખેડૂતને સર્ટીફાઈડ બિયારણ હોવાનું કહી 381 બિયારણના પેકેટ ખેડૂતે ભાડાપેટે રાખેલી આશરે 300 વિઘા જમીનમાં વાવેતર કર્યું હતું અને આ બિયારણ ઉત્પાદનમાં નિષ્ફળ નીવડતા ખેડૂતને 84 લાખની નુકશાની થઇ હતી અને જે બાબતે ખેડૂતે છેતરપીંડી આચરનાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ માળીયાના નવા ગામના ખેડૂત નવીનભાઈ ધુમલિયાએ માળિયા તાલુકા પોલીસ મથકે અમરાભાઇ સગરામભાઇ રબારી રહે. બોટાદ વાળા વિરુદ્ધ બી.ટી કપાસનુ બીયારણ સર્ટીફાઇડ હોવાનું કહી છેતરપિંડી આર્ચરી હોવાનું ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં ખેડૂત નવીનભાઈ ધુમલિયાના જણાવ્યા મુજબ તેમણે આશરે 300 વીઘા જેટલી જમીન ભાડા પેટે(ઉધડ) રાખી હતી. જેમાં બીટી કપાસનું 381 જેટલી થેલીનું વાવેતર કર્યું હતું પરંતુ ભળતા નામવાળી બિયારણની થેલીઓનું ઉત્પાદન નહિ મળતા ખેડૂતને આશરે રૂ.- 84 લાખની નુકશાની વેઠવી પડી હતી. જેથી કરીને ખેડૂતે ખેતીવાડી શાખા સહીતની જગ્યાએ રજૂઆત કરતા ખેતીવાડી શાખાના અધિકારી દ્વારા ખેતી પાકની મુલાકાત લીધી હતી અને રોજકામ કર્યું હતું. પરંતુ ખેડૂતને નુકસાન જતા ખેડૂતએ માળિયા પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોધાવી છે. ત્યારે મોરબી જીલ્લામાં વાવણી સમયે ભળતા નામના બિયારણો વેચાણ કરવા માટે ફેરિયાઓ ખેડૂતો સુધી પહોચે છે પરંતુ ખેતીવાડી અધિકારીઓ શા માટે કામગીરી નથી કરતા તે પણ સવાલ છે?


