ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા અને તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા રવીકુમાર કિશોરભાઇ ગોસાઇને તેના સોશીયલ મીડિયા એકાઉન્ટમાં Horiven Resortsનું નામની એડ આવતા તેમાં તેમનો મોબાઇલ નંબર નાખી લોગીન થયા હતા. જેમાં Horiven Resorts દ્વારા ભારતમાં પાંચ વર્ષ સુધી કુલ- 25 રાત્રી રોકાણ તેમજ જમવાની હોટલ/રીસોર્ટમાં સુવીધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી હતી. જેમાં જે તે સમયે રૂપિયા ન હોવાથી રવિભાઈએ કોઈ રોકાણ કર્યું ન હતું. બાદમાં 95866 00138 નંબરથી ફોન આવ્યો હતો. સામેથી ફોન કરનાર મહિલાએ અલગ અલગ ટુર પેકેજની માહિતી આપી હતી. તેઓને પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા જવાનું પ્લાનીંગ હોય જેથી પેટીએમ થી તેઓએ એક ખાતામાં રૂ.- 5000 જમા કર્યા હતા. જેમાં થોડા સમય બાદ સામેથી 4500 રૂપિયા પરત આપી ઠગ ટોળકીએ રવિભાઈને જાળમાં ફસાવ્યા હતા. બાદમાં અલગ-અલગ સમયે રૂ.-50,000 મેળવી લીધા હતા. જે બાદ ઠગ ટોળકીએ તેમનું એકાઉન્ટ બંધ કરી તેઓના રૂ.- 50,000 પરત ન આપતા તેમની સાથે છેતરપીંડી થયા હોવાનું માલુમ પડતા તેઓએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

