ઉનાળાની કાળઝાળ ગરમીથી અકળામણ અનુભવતા લોકોને અંતે મેઘરાજાએ રાહત આપી છે, મોરબી શહેર સહીત સમગ્ર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. ટંકારા અને વાંકાનેરમાં રવિવારે રાત્રે તોફાની વરસાદી ઝાપટા પડ્યા બાદ સોમવારે રાત્રે જાણે સમગ્ર જિલ્લામાં ફરીવાર તોફાની ઇનિંગથી શરુઆત કરી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. રાત્રીના સમયે ગાજવીજ સાથે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. રાત્રીના 8 વાગ્યાથી શરુઆત થયેલી મેઘ સવારી સવારે 6 વાગ્યા સુધી ક્યારેક ધીમી તો ક્યારેક મુશળધાર વરસાદ પડ્યો હતો. સોમવારે સાંજે 6 થી સવારના 6 વાગ્યા સુધી જિલ્લામાં પોણા બે ઇંચ થી લઇ 5 ઇંચ સુધી વરસાદ નોધાયો હતો બાદમાં વિરામ લીધો હોય તેમ માત્ર હળવદ તાલુકા સિવાયના અન્ય તાલુકામાં ઝાપટા પડ્યા હતા. જોકે બપોરના સમયે ફરી એકવાર વરસાદનો તોફાની મિજાજ શરુ થયો હતો તાલુકા મુજબ જોઈએ તો મોરબી બપોરના 2થી 4 દરમિયાન દોઢ ઇંચ વરસાદ નોધાયો હતો. મોરબી શહેરઅને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સાંજે 6 થી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 171 મીમી વરસાદ નોધાયો હતો. આ રીતે ટંકારા તાલુકાની વાત કરીએ તો ટંકારામાં સોમવારે રાત્રે 4 100 મીમી અને મંગળવારે 17 મીમી નોધાયો હતો. છેલ્લા 24 કલાકમાં સોમવારે સાંજે 6 થી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 117 મીમી વરસાદ નોધાયો હતો. હળવદ તાલુકામાં 24 કલાક દરમિયાન 152 મીમી, વાંકાનેર તાલુકામાં 103 મીમી જયારે માળિયામાં 99 મીમી વરસાદ નોધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા મોરબી સુરેન્દ્રનગર ભાવનગર પોરબંદર જુનાગઢ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 24 કલાક દરમિયાન હજુ પણ અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે અને હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર ને પણ જિલ્લામાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
ચોમાસું પાકના વાવેતર માટે કાગડોળે રાહ જોતા ખેડૂતોની ચિંતા મેઘરાજાએ એક રાતમાં જ હળવી કરી દીધી છે. જિલ્લામાં 24 કલાકમાં થયેલા વાવેતર કરી શકે તેવો વરસાદ વરસી જતા ધરતીપુત્રોમાં ખુશીની લ્હેર પ્રસરી ગઈ છે અને અષાઢી બીજ માં તેઓ વાવેતરનું મુર્હુત પણ સાચવી શકે તેવી આશા સેવાઈ રહી છે.
જોકે બીજી તરફ શહેરી વિસ્તારમાં એક તરફ લોકોને આકરી ગરમીથી રાહત મળી છે પણ મહાનગર પાલિકા અને નગર પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી માં ઉતારેલી વેઠને પગલે વાહન ચાલકો દુકાનદારો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

