રાજકોટ-ભાવનગર હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક કાર્યપાલ ઈજનેર અને બહુમાળી ભવનમાં કોન્ટ્રાક બેઝ ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. ગઈકાલે રાત્રિના ભાવનગરથી પરત રાજકોટ ફરતા સમયે મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે ગોળાઈમાં સરકારી ગાડી રોડની સાઈડનું ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી. જેમાં કારચાલક અને R&Bના અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ ભાવનગર હાઇવે પર મહીકા ગામ નજીક વિઠલવાવ ગૌશાળા પાસે રોડની સાઈડનું ડિવાઈડર તોડી બોલેરો કાર 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી. રાત્રિના 11 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાતા કાર નીચે નાળામાં ખાબકી હતી. આજે સવારે કોઈએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ચંપક છનજી પટેલ છેલ્લા 3 વર્ષથી રાજકોટમાં યાંત્રિક કાર્યપાલ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા અને કાલે ભાવનગર ખાતે સાઈડમાં કામ અર્થે ગયા હતા. જ્યાંથી રાત્રે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. ગોળાઈ હોવાથી ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર નીચે ખાબકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મૃતક:-
ચંપક છનજી પટેલ – યાંત્રિક કાર્યપાલ ઈજનેર, રાજકોટ
જાવેદ યુનુશભાઈ પઢીયાર – ડ્રાઇવર

