હળવદના સુરવદર ગામે રહેતા કિરણભાઇ કરશનભાઇ ધામેચાએ આરોપી વિશાલભાઇ રમેશભાઇ કોળી, શામજીભાઇ રણછોડભાઇ કોળી, સાગરભાઇ રણછોડભાઇ કોળી, આશીષભાઇ બાબુભાઇ કોળી અને અજાણ્યા ચાર થી પાંચ માણસો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, રાયધ્રા ગામેં રહેતા આરોપી વિશાલની બહેન કાજલના લગ્ન શક્તિનગર ગામમાં થયા હતા. મૃતક ચંદુભાઈના ભત્રીજો મનોજ કરસનભાઈ ધામેચા કાજલને ભગાડી ગયો હતો. આ બાબતનો ખાર રાખીને કાજલના ભાઈઓ અને પતિએ રવિવારે સવારે પાંચ વાગ્યાના સુમારે હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલામાં ચંદુભાઈને છાતીમાં છરી મારવામાં આવી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું. ઈજાગ્રસ્ત પુત્ર-પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓને પકડી લેવાની તજવીજ હાથ ધરી છે.

