મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની મેલેરીયા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહક જન્ય રોગો અને રોગચાળા નિયંત્રણ તેમજ અટકાયતી પગલા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં લોહીની તપાસ માટે લેવામાં આવેલા નમુના, પોઝિટિવ કેસ તેમજ તે સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના પોઝિટિવિટી રેટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગ અંગે સમીક્ષા કરી માસિક લોહી તપાસ ઇન્ડિકેટર અને તે બાબતના સર્લેલન્સ બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે જિલ્લામાં રોગચાળો ન વકરે તે માટે વરસાદ પૂર્વે પૂર્વ આયોજન કરી ક્યાંય પણ પાણી ન ભરાય તે માટે આગોતરું સુચારૂ આયોજન કરવા તેમજ ફોગીંગ સહિતની કામગીરી વધારવા સુચના આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ સ્લમ વિસ્તાર તેમજ સુચિત શહેરી વિસ્તારને ખાસ ધ્યાનમાં લઇ સાફ-સફાઈ, ફોગીંગ તેમજ ક્લોરીનેશન સહિતના જરૂરી પગલાઓ લેવા સૂચના આપી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાત્સવ, આર.સી.એચ.ઓ. ડો. સંજય શાહ, ડીએમઓ વિપુલ કારોલીયા, ઈએમઓ ડો. ડી.વી. બાવરવા તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

