HomeGujaratસુરતમાં 17 કલાકના કામના રૂ. 200 આપી માસૂમોનું શોષણ, બે બાળક ભાગીને...

સુરતમાં 17 કલાકના કામના રૂ. 200 આપી માસૂમોનું શોષણ, બે બાળક ભાગીને પોલીસ મથકે પહોંચ્યાંને રેકેટનો પર્દાફાશ

સુરત શહેરમાં બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 વર્ષના બાળકથી લઈ 17 વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની વાત સામે આવી છે. પોલીસે કુલ 3 બાળક અને 2 સગીરને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે.

આ બાળ મજૂરો પાસે સાડીના કારખાનામાં સવારના 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત 17 કલાક સુધી કામથી અને શેઠના મારથી ત્રાસીને બે બાળક હિંમત કરીને ભાગી પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં. જે બાદ પોલીસે તેમની પૂછપરછ કરી. સમગ્ર વિગત મળ્યાં બાદ બે દિવસ સુધી બાળકોને સાથે રાખી પગપાળા ચાલીને કારખાનું શોધી અન્ય એક બાળક અને બે સગીરને કારખાનેદારની ચુંગલમાંથી મુક્ત કરાવ્યાં હતાં.

બે બાળક ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી ગયાં મળતી માહિતી પ્રમાણે, ગોડાદરા પોલીસ મથકે 18 એપ્રિલની રાત્રે સાત-સાત વર્ષની વયનાં બે બાળક આવી ચઢ્યાં હતાં. ગભરાયેલા લાગતાં આ બંને બાળકની પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ગામના હોવાનું જણાવ્યું હતું. તેઓને ગામડેથી લાવી સુરતમાં સાડીની ગડી વાળવાના કારખાનામાં ગોંધી રાખી સતત 17 કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પણ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. બાદમાં ગોડાદરા પોલીસે બંને બાળકોને કતારગામમાં આવેલા ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં મોકલી આપ્યાં હતાં.

બાદમાં મહિલા સેલના એસીપી મિની જોસેફ બાળકો પાસે પહોંચ્યાં હતાં અને વિગતવાર પૂછપરછ કરતાં તેમણે વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોતાની ઉપરાંત એક બાળક અને બે સગીરને પણ આ કારખાનેદારે ગોંધી રાખ્યા હોવાનું જણાવતાં, પોલીસે અલગ અલગ ટીમો બનાવી કારખાનું શોધવાનો નિર્ણય કર્યો હતો.બાળકોને કારખાનું તો યાદ હતું, પરંતુ તેઓ રાત્રે ભાગ્યાં હતાં અને ઘણું ચાલ્યા હોવાથી ચોક્કસ વિસ્તાર વિશે અજાણ હોવાનું જણાવ્યું હતું. બીજાં બાળકોને બચાવી શકાય તે માટે વરાછા, પુણા અને ગોડાદરા એમ ત્રણ પોલીસ મથકમાંથી મહિલા પીએસઆઇની આગેવાનીમાં ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ બે દિવસ બાળકોને લઇ પગપાળા ફરતી રહી હતી. ત્યારે 19 એપ્રિલના રોજ પુણા સીતારામ સોસાયટીની પાછળ બિલનાથ સોસાયટીમાં આવેલા કારખાના તરફ બાળકોએ આંગળી ચીંધી હતી.પોલીસને આ કારખાનામાંથી સાત વર્ષનું એક બાળક અને 17-17 વર્ષના બે સગીર મળી આવ્યાં હતાં. બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે, અનેક મહિનાથી તેઓ આ કારખાનામાં કાળી મજૂરી કરી રહ્યાં છે. મળસ્કે પાંચ વાગ્યે જ શેઠ તેમને ઉઠાડી દેતો. ન ઊઠે કે કામ કરવામાં આળસ કરે તો તે સંજોગોમાં માર મારવામાં આવતો. રાત્રે દસ વાગ્યા સુધી 17 કલાકની કાળી મજૂરીના બદલામાં માત્ર 200 રૂપિયા રોજનું મહેનતાણું અને બપોરે એક કલાકની રિસેસ મળતી હતી.

વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર એફ.એસ. ચૌધરીની ફરિયાદને આધારે પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી કારખાનું ચલાવતા પ્રકાશ ભૂરીલાલ ભૂરિયા (રહે. ગૌરાણા ગાણ, તા. જાડોદ, જિ. ઉદેપુર)ની ધરપકડ કરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW