ભારત નહી સમગ્ર વિશ્વના મોટા સિરામિક ક્લસ્ટર પૈકીના એક એવા મોરબીના સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક મંદી સતત વધી રહેલી પ્રોડક્શન કોસ્ટ એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટમાં ઓછી ડીમાંડનો સામનો કરી રહ્યું છે. જેના કારણે ઉદ્યોગની કમર તૂટી ગઈ છે કેટલાક વર્ષોમાં તો સ્થિતિ એવી બની હતી કે તેમની પોડકશન કોસ્ટ જેટલા અથવા તેનાથી નીચા ભાવે વેચાણ કરવા મજબુર બન્યા હતા. જોકે આ સ્થિતિમાં લાંબા સમય સુધી ટકી ન શકતા અંતે 200 થી વધુ ફેકટરીના કાયમી તાળા લાગી ગયા હતા. જોકે આવી સ્થિતિ આગામી દિવસોમાં અન્ય ફેક્ટરીની ન થાય તે માટે ઉદ્યોગને બચાવવો જરૂરી હોય અને તેના માટે પ્રોડક્શન કોસ્ટ કરતા સેલિંગ પ્રાઈઝ ઉચા હોવા જરૂરી બનતા અંતે સિરામિક મેન્યુફેક્ચરીંગ એસોશીએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આગમી 1 ફેબ્રુઆરીથી વોલ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ તેમજ પાર્કિંગ પ્રોડક્ટમાં 10 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે સિરામિક એસોશીએશન આગામી દિવસમાં તમામ ટ્રેડર્સ અને સપ્લાયર્સને આ અંગે લેખિત જાણ કરી આગામી 1 ફેબ્રુઆરી થી જે ભાવ વધારો જાહેર કરાયો છે તે મુજબ ઓર્ડર લેવા જણાવ્યું છે, ઉદ્યોગની હાલની સ્થિતિ જોતા ભાવ વધારા સિવાય કોઈ વિકલ્પ નથી.
મોરબીના સિરામિક ઉદ્યોગને મળતા નેચરલ ગેસ, વીજળી, રો મટીરીયલ, ભાડા સહિતના તમામ પ્રકારના ખર્ચમાં ખુબ વધારો થયો છે. બજારમાં ટકી રહેવા ઉદ્યોગકારોએ તેમના નફા માંથી કાપ મુકીને પણ ભાવ વધારો કર્યો ન હતો સ્થિતિ એ બની કે આજની સ્થિતિએ 30 ટકા કરતા વધુ ફેક્ટરી એવી છે કે જેની પ્રોડક્શન કોસ્ટ જેટલો સેલિંગ પ્રાઈઝ છે. હવે આ સ્થિતિમાં ફેક્ટરી ચલાવવી મુશ્કેલી છે જેથી તેમની ફેક્ટરી ચાલે તેવા ઉદેશથી ભાવ વધારો કરેલ છે તેમ સિરામિક મેન્યુફેચરીંગ એસો.વોલ ટાઈલ્સ પ્રમુખ હરેશ બોપલીયાએ જણાવ્યું હતું.


