કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે.કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. વહેલી સવારે સ્થાનિક લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ થતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈ અસામાજિક તત્વો દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. હાલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. સ્થાનિક લોકોની માગ છે કે, જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહિ થાય ત્યા સુધી રસ્તા પરથી નહિ હટીએ. હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

