મોરબી જિલ્લામાં સબ સલામત હોય અને જિલ્લાની પોલીસની કામગીરીથી સંતોષ હોવાના વખાણ કરી રેન્જ આઈજી ગયાને એક સપ્તાહ પણ નથી થયો ત્યાં SMCની ટીમ દ્વારા ધામા નાખી પોલીસની આબરૂ લઇ લીધી હોય તેવી સ્થિતિ બની છે અગાઉ ટંકારામાં પોલીસે હાઈ પ્રોફાઈલ જુગારના દરોડા પાડી વાહ વાહી મેળવી હતી જેના ૪૮ કલાકમાં એવી ફરિયાદ ઉઠી કે પોલીસે પડેલા જુગારમાં મોટા પાયે ગેરરીતી થઇ છે અને રાજ્યના ડીજીપી વિકાસ સહાય આકરાપાણીએ થઇ ફરિયાદ બાદ એસએમસી ને તપાસ સોપી કાર્યવાહી હાથ ધરી ટંકારા પોલીસના તત્કાલીન પી આઈ ગોહિલ અને એક પોલીસ કર્મીની સંડોવણી હોવાનું સામે આવતા બન્નેને સસ્પેન્ડ કરી દેવાયા હતા

જોકે આ તપાસ ની રાત્રે જાણે એસએમસીએ મોરબી પોલીસની ઊંઘ ઉડાડવાનું નક્કી કર્યું હોય તેમ ગાળા ગામના પાટીયા પાસેથી ભાજપ આગેવાનના પુત્ર સંચાલિત પેટકોકની ચોરી અને ભેળસેળ યુક્ત માલના વેચાણનું કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એટલું ઓછું હોઈ તેમ મોરબીના નવલખી રોડના રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ સાથે મોરબી પોલીસની આબરૂ નું ધોવાણ થઇ જતા ગાઢ નિંદ્રામાં સુતેલી પોલીસે હવે પોતાની આબરૂ બચાવવા હવાતિયા મારવા પ્રયાસ શરૂ કર્યા છે

એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો અલગ અલગ કોલસાના એકમમાં વહેલી સવારથી ચેકિંગના નામે તપાસ હાથ ધરી પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે જો કે જે એકમોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે તેમાં અત્યાર સુધી કશું હાથે નથી લાગ્યું પરંતુ એક વાત તો સ્પષ્ટ થઇ રહી છે કે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવામાં પણ પોલીસને રીતસરનો પરસેવો છૂટી ગયો છે જોકે કોલશા કાંડમાં હજી પણ કેટલાય ના તાપેલા ચડી જાય તેવી શક્યતા વચ્ચે મોરબી પોલીસ શું કરી શકે તે જોવું રહ્યું.
