મોરબી જિલ્લામાં મોરબી પ્રભારી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જિલ્લા પંચાયત ખાતેથી 100 Days Intensified Campaign on TB Eliminationનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ વાનને મંત્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માત્ર આંતરમાળખાકીય વિકાસ કે જીડીપીની સાથે સર્વાંગિક વિકાસને ભારોભાર મહત્વ આપી બહુજન હિતાય બહુજન સુખાયના અભિગમને સાર્થક કર્યું છે. ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામુહિક ચિંતા કરી તેમને નીક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી 500ની સહાય વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. સરકારે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનું જે લક્ષ્ય બનાવ્યું છે તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આરોગ્ય સુખાકારી માટે રોડમેપ બનાવી સરકાર તે તરફ આગળ વધી રહી છે, દરેક બાળક માનસિક શારીરિક રીતે સક્ષમ બને તે માટે દરેક આરોગ્ય કર્મચારી પોતાની નોકરીને એક સેવા માનીને કામગીરી કરે તે અનિવાર્ય છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ટીબીને નાથવા માટે ઝુંબેશ રૂપે અભિયાન શરૂ કર્યું છે. આ અભ્યાનને સહિયારા પ્રયાસોથી સફળ બનાવવા તેમણે સૌને અપીલ કરી હતી. સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે અંતર્ગત દેશનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સમગ્ર દેશમાંથી ટીબી રોગ નાબુદ કરવા પ્રતિબધ્ધ છે. જેના ભાગરૂપે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ મોરબી ખાતેથી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુથી ‘100 days intensified Campaign on TB Elimination’ અભિયાન શરૂ કરાવ્યું હતું.
આ અભિયાન હેઠળ દેશના 347 જિલ્લાઓને પ્રાથમિક ધોરણે આવરી લેવામાં આવનાર છે. જેમાં ગુજરાતના કુલ 16 જિલ્લા અને 04 કોર્પોરેશનની પસંદગી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ટીબી થવાનું જોખમ ધરાવતા તમામ વ્યક્તિઓની ટીબી અંગેની સ્થળ પર જ તપાસ કરવામાં આવશે. જેમાં ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ, 60 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ, <18.5 BMI (જેમનું BMI 18.5 થી ઓછું હોય), ધુમ્રપાન કરતા હોય તેવી વ્યક્તિઓ, છેલ્લા પાંચ વર્ષમાં ટીબી થયેલ હોય તેવા વ્યક્તિઓ અને છેલ્લા 2 વર્ષમાં ટીબી થયેલ હોય તેવા દર્દીના ઘરના સભ્યોને આવરી લેવામાં આવશે. જે અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટીબીના દર્દીઓને કીટ આપતા દાતાઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવે કર્યું હતું, આભારવિધિ ટીબી અધિકારી ડો. ધનસુખ અજાણાએ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, અગ્રણી રણછોડભાઈ દલવાડી તથા કે.એસ. અમૃતિયા સહિત સ્થાનિક આગેવાન અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ તથા ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.