સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, સુરતના અમરોલીમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા યુવકે આત્મહત્યા કરવા માટે પોતાના બંને હાથની નસો કાપી નાખી હતી. 200 કિલો વજન ધરાવતા યુવકને એપાર્ટમેન્ટમાંથી સારવાર માટે નીચે ઉતારવો પડ્યો હતો. આજુબાજુના લોકોએ યુવકને નીચે ઉતારવાનો ખૂબ પ્રયાસ કર્યો. પરંતુ તેઓ સફળ થયા ન હતા. બાદમાં યુવકને નીચે કાઢવા માટે પોલીસ અને ફાયર કર્મીઓને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. 11 જેટલા પોલીસ અને ફાયરના જવાનોએ મળીને કપડાની મોટી થેલી બનાવી યુવકને વચ્ચે બેસાડી ચોથા માળેથી નીચે ઉતાર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર અમરોલી ક્રોસ રોડ સ્થિત સતાધાર સોસાયટી એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા કલ્પેશ ભટ્ટે રવિવારે સાંજે અગમ્ય કારણોસર પોતાના બંને હાથની નસો કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને લોહીલુહાણ જોઈને પરિવારજનો ગભરાઈ ગયા હતા. તેણે આજુબાજુના લોકોની મદદથી કલ્પેશને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો. પરિવારે ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલ્પેશને નીચે ઉતારવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. યુવકનું વજન એટલું ભારે હતું કે તે સફળ પણ ન થઈ શક્યો. આખરે થાકી જતાં ફાયર બ્રિગેડના જવાનોની મદદ લેવી પડી હતી. ફાયર કર્મીઓએ જણાવ્યું હતું કે યુવકનું વજન ઘણું વધારે હતું. તેના બંને કાંડામાંથી લોહી વહી રહ્યું હતું. આથી મજબુત કાપડની થેલી બનાવી યુવકને બેગમાં મુક્યા બાદ 11 લોકોએ તેને ઉપાડીને ચોથા માળેથી નીચે ઉતાર્યો હતો. તેને નીચે લાવવામાં 7 ફાયરમેન અને 4 પોલીસ કર્મચારીઓનો પરસેવો છૂટી ગયો હતો.

