ધંધા રોજગાર માટે અન્ય રાજ્ય કે નેપાળથી આવતા પરિવાર કામ ધંધામાં વ્યસ્ત હોય છે કે માતા પિતા બાળકો પર ધ્યાન આપી શકતા નથી ખાસ કરીને નાના બાળકો ગંભીર અકસ્માતનો ભોગ બનતા હોય છે તાજેતરમાં અમરેલીમાં ખેત મજુરની બાળકી ખુલ્લા બોર માં પડી જતા મોતને ભેટી હતી તો અગાઉ સુરતમાં એક એપાર્ટમેન્ટ માં કામ કરતા મહિલા સફાઈ કર્મીની દીકરી રમતા રમતા ચોથા માળેથી પટકાતા તેનું મોત થયું હતું ત્યારે ફરી એક આવી ઘટનાં રાજકોટ શહેરમા બની છે મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતા નેપાળી પરિવારની 3-3 વર્ષની બે બાળકીઓ રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી. જો કે, કોઈને જાણ થાય અને તેને બચાવે તે પહેલાં જ બન્નેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. સોસાયટીના સ્વિમિંગ પૂલ ખાતે રાત્રિના 9.30 વાગ્યા બાદ લગભગ એકાદ કલાક સુધી બન્ને બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ 108 બોલાવી બન્ને બાળકીને બચાવવા કોશિશ કરી હતી. પરંતુ બન્ને બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
બનાવ અંગેની જાણ સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી અને પોલીસે આવી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બન્ને બાળકીની ઉંમર 3-3 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. જેમાં એકનું નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને બીજી બાળકીનું નામ મેનુકા પ્રકાશ સિંઘ હોવાનું સામે આવ્યું છે. બન્ને બાળકીનાં પરિવારજનો મૂળ નેપાળનાં વતની છે અને અહીંયાં શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારનું કામ કરે છે

