અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોરમાં ઉતારેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું હતું. ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે 17 કલાક બાદ આરોહીને બોરમાંથી કાઢવામાં આવી છે, જોકે તેનો જીવ બચાવી શકાયો નથી. બીજી તરફ આ ઘટના બાદ કલેક્ટરે જણાવ્યું કે, બોર પર પથ્થરો લગાવેલા હતા, પરંતુ બાળકોએ તે પથ્થરોને હટાવી દીધા હતા.
અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે, પણ માત્ર આરોહીના મૃતદેહને જ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એન ડી.આર.એફની ટીમોએ બાળકીને બચાવવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ તેનો જીવ બચાવી શક્યાં નહોતાં.
વહેલી સવારે બાળકીને બહાર કઢાઈઃ ફાયર ઓફિસર
ફાયર ઓફિસર એચસી ગઢવીએ જણાવ્યું હતું કે ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજે સવારે 5:10 કલાક સુધી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ-ઓપરેશનમાં ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસતંત્ર વહીવટી તંત્રએ સંયૂક્ત ઓપરેશન હાથ ધરીને બાળકીને વહેલી સવારે બહાર કાઢવામાં આવી હતી. તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી, પરંતુ અહી તબીબે તેને મૃત જાહેર કરી હતી.
ઘટના બાદ કલેક્ટરનો મોટો નિર્ણય, ગ્રામ્ય વિસ્તારમાં બોરની નોંધણી ફરજીયાત
આ ઘટનાને મામલે અમરેલીના કલેક્ટર અજય દહીયાએ જણાવ્યું કે, આ ઘટના બની છે ત્યાં બોર ઉપર પથ્થરો રાખવામાં આવ્યાં હતા, પરંતુ આ પથ્થરો બાળકોએ હટાવ્યાં હતા. આ ઘટનામાં એડી દાખલ કરી છે. સમગ્ર જિલ્લામાં મૌખિત સૂચનાઓ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં બોર અંગે નોંધણી કરવાની રહેશે. હાલ મૌખિત સૂચના પણ આપી દેવાઈ છે. તેમજ અધિકારીઓની બેઠક બોલાવી સૂચના સાથે હુકમ કરવામાં આવશે.
રાજુલાથી રોબોટની ટીમ પણ આવી હતી
મળતી માહિતી મુજબ, અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અમ્લિયા પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી ગઈકાલે બપોરે 12 વાગ્યાના અરસામાં રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ હતી, જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. અંદાજિત 500 ફૂંટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન લગાવાયું હતું. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી. રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાક્રમ
આખો ઘટનાક્રમ જોઈએ તો 108 ટીમને ગઈકાલે બપોરે 12-46 વાગે કોલ મળ્યો, 01-02 મિનિટે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પ્રથમ 108 ટીમ પહોંચી ત્યારે બાળકીનો અવાજ આવતો હતો. બાદમાં ફાયર ઈમર્જન્સી ટીમે પહોંચી તરત કેમેરા શરૂ કર્યા. દોઢ વાગે વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા અને ત્યારે જ ઓક્સિજન શરૂ કરવામાં આવ્યું. એ બાદ 17 કલાક સુધી બાળકીને બચાવવા માટે ઓપરેશન ચાલ્યું હતું.

